જમ્મુ-કાશ્મીરના પૂંછમાં BSFનું વાહન ખીણમાં ખાબક્તા એક જવાનનું મોત, 6 ઈજાગ્રસ્ત

જમ્મુ-કાશ્મીરના પૂંછમાં રવિવારે એક વાહન રસ્તા પરથી લપસીને ઊંડી ખીણમાં પડી ગયું હતું. આ અકસ્માતમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના એક જવાનનું મોત થયું હતું. જ્યારે છ જવાન ઘાયલ થયા છે. જેમાંથી ચારની હાલત ગંભીર છે. અધિકારીએ જણાવ્યું કે, આ અકસ્માત મેંધરના બાલનોઈ વિસ્તારમાં થયો હતો. પહાડી રોડ પર આંધળા વળાંક પર બીએસએફના વાહનના ચાલકે કાબૂ ગુમાવ્યો હતો.

250 ફૂટ ઊંડી ખીણમાં પડ્યું વાહન

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે BSFનું વાહન ટાટા-407 HR39-8662 માનકોટ સેક્ટરમાં રસ્તા પરથી લપસી ગયું અને લગભગ 250 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું, જેના પરિણામે સાત BSF જવાનો ઘાયલ થયા. ઘાયલ જવાનને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન એક જવાનનું મોત નીપજ્યું હતું. મૃતક જવાનની ઓળખ BSFની 158 બટાલિયનના કોન્સ્ટેબલ રામ ચંદ્રન તરીકે થઈ છે જ્યારે અન્ય ઘાયલ જવાનોની ઓળખ ફિરોઝ અહેમદ, સંજય સરકાર, કરમજીત સિંહ, અજય સિંહ, દેવેન્દ્ર સિંહ અને ઈમદાદુલ હક તરીકે થઈ છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.