મહારાષ્ટ્ર: ચૂંટણીના પરિણામ બાદ આ ગામમાં લોકો ફરી કરી રહ્યા છે બેલેટ પેપરથી મતદાન

મુંબઈ: મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના માલસિરસ વિધાનસભા સીટના મરકડવાડી ગામમાં આજે ગ્રામજનોએ બેલેટ પેપર પર મતદાન કરવાની જાહેરાત કરી છે. લોકો પણ મતદાન મથકે પહોંચી રહ્યા છે.ગ્રામજનોનો આરોપ છે કે વિધાનસભાની ચૂંટણીમાં તેઓએ એનસીપી (શરદ પવાર) પાર્ટીના ઉમેદવાર ઉત્તમરાવ શિવદાસ જાનકરને મત આપ્યો હતો, પરંતુ વિધાનસભા પરિણામોમાં આ ગામના મતદાન મથક પર ભાજપના ઉમેદવાર રામ સાતપુતેને વધુ મત મળ્યા હતા.

ભાજપને વધુ મત મળતા ગ્રામજનો આશ્ચર્યચકિત

આ ગામના મતદાન મથક પર થયેલા કુલ મતદાનમાં રામ સાતપુતે (ભાજપ)ને 1003 અને ઉત્તમરાવ શિવદાસ જાનકરને (NCP sp)ને 843 મત મળ્યા હતા. ઉત્તમ આ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા પરંતુ મરકડવાડી ગામમાં ભાજપના ઉમેદવારને વધુ મત મળતાં ગ્રામજનોમાં આશ્ચર્ય ફેલાયું છે. કારણ કે, 2014થી અત્યાર સુધીની તમામ ચૂંટણીઓમાં ઉત્તમ જાનકરને હંમેશા લીડ મળી છે.

ચૂંટણી પરિણામો પછી ગ્રામજનોએ સ્થાનિક વહીવટીતંત્રને બેલેટ પેપર પર ફરીથી મતદાન કરાવવાની અપીલ કરી હતી, જેને વહીવટીતંત્રે નકારી કાઢી હતી. આ પછી ઈવીએમમાં ​​ખરાબીનો આરોપ લગાવીને ગ્રામજનોએ જાતે જ બેલેટ પેપર પર મતદાનનું આયોજન કર્યું.

મતદાનની પૂર્ણ તૈયારી, પ્રશાસને નથી આપી પરવાનગી

જોકે, વહીવટીતંત્રે આવા મતદાનની મંજૂરી આપી નથી. મારકડવાડી ગામમાં મોટા પાયે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્થાનિક પ્રશાસને ગ્રામજનોને કહ્યું છે કે ચૂંટણી પંચને મતદાન કરાવવાનો અધિકાર છે. આ રીતે ગેરકાયદે મતદાન મથકો બાંધીને ગ્રામજનો મતદાન કરાવી શકતા નથી. સ્થાનિક પ્રશાસને ગેરકાયદે મતદાનના કાર્યક્રમોનું આયોજન કરવા સામે પગલાં લેવાની ચેતવણી પણ આપી છે.

વહીવટીતંત્રની ચેતવણી છતાં ગ્રામજનો બેલેટ પેપર પર મતદાન કરવા પર અડગ છે. વહીવટીતંત્રના વિરોધને કારણે હજુ મતદાન શરૂ થયું નથી. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં ઉત્તમરાવ શિવદાસ જાનકરને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.