મહંતસ્વામી મહારાજનો 91મો જન્મદિવસ મુંબઈમાં ઊજવાયો

મુંબઈ: ભગવાન સ્વામિનારાયણની ગુણાતીત સંત પરંપરાના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર સાધુ કેશવજી વનદાસજી એટલે કે મહંતસ્વામી મહારાજ છે. તેમનો 91મો જન્મદિવસ ભાદરવા વદ નોમને એટલે કે ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૪ને ગુરુવારના રોજ મુંબઈના ગોરેગાંવ ખાતે આવેલાં નેસ્કો એક્ઝિબિશન સેન્ટર ખાતે ઉજવાયો. જેમાં દેશ-વિદેશના ૪૦૦થી વધુ સંતો, પચીસ હજારથી વધુ ભક્તો તથા  વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ખાસ હાજર રહ્યા. સંતો-યુવકોનાં કીર્તનથી સમી સાંજે પાંચ વાગ્યે જન્મજયંતી ઉત્સવનો મંગળ પ્રારંભ થયો. ત્યાર બાદ યુવકો-બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો તથા સદગુરુ સંતોનાં પ્રાસંગિક પ્રવચનોની સરવાણી વહેતી રહી.

આ કાર્યક્રમમાં ભગવાન સ્વામિનારાયણનું સ્મૃતિપર્વ, પ્રમુખસ્વામી મહારાજનું સ્મૃતિપર્વ તથા મહંતસ્વામી મહારાજની ૯૧મી જન્મજયંતીના ત્રિવેણી ઉત્સવની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હાજર રહ્યા હતા. તેમણે મહંતસ્વામી મહારાજ સાથેના સ્વાનુભવો વર્ણવતા કહ્યું કે, “પૂજ્ય મહંતસ્વામી મહારાજ એક વૈશ્વિક મહાપુરુષ છે. BAPS સંસ્થા સામાજિક-આધ્યાત્મિક ક્ષેત્રે અનન્ય કાર્ય કરી રહી છે. આપણી સંસ્કૃતિને સકારાત્મક અને રચનાત્મક રીતે વિશ્વભરમાં ફેલાવવામાં BAPS સ્વામિનારાયણ સંસ્થાનું મહત્વપૂર્ણ યોગદાન છે…” ત્યાર બાદ દેવેન્દ્ર ફડણવીસ સહિત મહારાષ્ટ્ર સરકારના મંત્રી મંગલપ્રભાત લોઢા અને નેસ્કો લિમિટેડના CMD કૃષ્ણા પટેલે મહંતસ્વામી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.

મહોત્સવના અંતે મહંત સ્વામી મહારાજે કહ્યું, “ભગવાન સ્વામિનારાયણના યથાર્થ મહિમાને સમજવો અને તેમની ભક્તિ કરવી તેમજ તેમના આદેશોનું પાલન કરવું એ આપણું પરમ કર્તવ્ય છે.” આ કાર્યક્રમમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડીલ સંતોએ પુષ્પમાળા દ્વારા મહંતસ્વામી મહારાજને ભાવાંજલિ અર્પણ કરી. અંતમાં મંત્ર-પુષ્પાંજલિ તથા હજારો દીવડાની સમૂહ આરતીએ વાતાવરણને મંત્રમુગ્ધ બનાવી દીધું હતું.