સ્વામિનારાયણ ગુરુકુલના માધવ સ્વામીજીએ યુગાન્ડા સંસદ ભવનની લીધી મુલાકાત

સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ(SGVP)ના માધવ સ્વામી સનાતન સંસ્કૃતિને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવાના આશય સાથે ચાલતી તેમની નિરંતર યાત્રામાં આફ્રિકા ખંડની મુલાકાતે છે. જ્યાં તેમણે યુગાન્ડાના ડેપ્યુટી સ્પીકર ડૉ. થોમસ તૈયબ્વા સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત ભારત અને આફ્રિકાના દેશો વચ્ચે આધ્યાત્મિકતા, શિક્ષણ અને સંસ્કૃતિનો નવો સાત્વિક સેતુ નિર્માણ કરી શકે છે.

માધવ સ્વામી આફ્રિકાના યુગાન્ડાના પ્રવાસ પર છે. યુગાન્ડામાં બહોળા પ્રમાણમાં ગુજરાતીઓ વસે છે. આ પ્રવાસ દરમિયાન માધવ સ્વામીએ યુગાન્ડા સરકારના ડેપ્યુટી સ્પીકર ડૉ. થોમસ તૈયબ્વાના વિશેષ આમંત્રણ ઉપર દેશની રાજધાની કંપાલા ખાતે આવેલ સંસદ ભવનની ખાસ મુલાકાત લીધી હતી.

સંસદ ભવન ખાતે સ્પીકર ડૉ. થોમસ અને સહયોગી સાંસદોએ માધવપ્રિય સ્વામીજીનું હાર્દિક સ્વાગત કર્યુ હતું. યુગાન્ડાના સાંસદો અને સરકારના પ્રતિનિધિ ડૉ. થોમસ સાથે સ્વામીજીએ ગુરુકુળ શિક્ષા પદ્ધતિ દ્વારા કઈ રીતે આવનારી પેઢીને વધુ સ્વાભિમાની, સશક્ત, સંસ્કારી બનાવી સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે તૈયાર કરી શકાય એ વિષય ઉપર ચર્ચા કરી હતી !

આ ઐતિહાસિક મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે માનવતાના મૂલ્યોની વાવણી સમાજમાં કરનારી ભગવાન શ્રી સ્વામિનારાયણે લખેલી સર્વજીવ હિતાવહ શિક્ષાપત્રી વિશ્વને આપી એના બસ્સો વર્ષ થવા જઈ રહ્યા છે.
રાજસત્તા અને ધર્મસત્તાની આ મુલાકાત ભારત અને આફ્રિકાના દેશો વચ્ચે આધ્યાત્મિકતા, શિક્ષણ અને સંસ્કૃતિનો સેતુ નિર્માણ કરી શકે છે.