L&Tની મહિલા ટીમે ઝારખંડમાં માઇનિંગ મશીન શરૂ કરી રેકોર્ડ બનાવ્યો

મુંબઈઃ દેશના ખનન અને બાંધકામ ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ નોંધવામાં આવી છે. લાર્સન એન્ડ ટુબ્રો (એલ એન્ડ ટી)ની કન્સ્ટ્રક્શન એન્ડ માઇનિંગ મશીનરી (CMB) વિભાગની મહિલાઓની ટીમે ઝારખંડના ટાટા સ્ટીલના નોઆમુંડી આયર્ન ઓર ખાણમાં 100 ટન ક્ષમતા ધરાવતો વિશાળ ડમ્પ ટ્રક સફળતાપૂર્વક ચાલુ કર્યો છે.

આ દેશનો પ્રથમ પ્રસંગ છે કે જ્યાં આવી ભવ્ય અને જટિલ મશીનરીનું એસેમ્બલી, પરીક્ષણ અને એને સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા કરવામાં આવી છે. આ ઘટના એલ એન્ડ ટી દ્વારા પરંપરાગત રીતે પુરુષો પ્રભાવિત ક્ષેત્રોમાં મહિલાઓને સશક્ત બનાવવા માટેની પહેલનું મહત્વની માઇલસ્ટોન છે.

આ મશીન કોમાત્સુ HD785-7 છે, જે 1200 હોર્સપાવર ધરાવતો ડમ્પ ટ્રક છે. તે પોતાની શ્રેણીમાં સૌથી મોટામાંનો એક છે અને તેમાં વેરિયેબલ હોર્સપાવર કન્ટ્રોલ, ઓટોમેટિક રિટાર્ડ સ્પીડ કન્ટ્રોલ અને કોમટ્રેક્સ પ્લસ ટેલેમેટિક્સ જેવી આધુનિક સિસ્ટમ્સ છે.

આ મશીનનું કમિશનિંગ 28 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી માત્ર છ દિવસમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું, ચોમાસાની પરિસ્થિતિ વચ્ચે મહિલા ટીમે અનેક ઓપરેશનલ પડકારોનો સામનો કર્યો હતો. એક્સલ માઉન્ટિંગથી લઈને હાઇડ્રોલિક ઇન્ટિગ્રેશન સુધીનું ભધું કામ અત્યંત ચોકસાઈથી કરવામાં આવ્યું હતું. પહેલી ઓગસ્ટે એન્જિન સફળતાપૂર્વક શરૂ કરવામાં આવ્યું અને બીજી ઓગસ્ટે સિસ્ટમ્સ એકીકૃત કરવામાં આવી હતી.

આ વિશાળ મશીનને 18 ઓગસ્ટે ટાટા સ્ટીલને વિધિવત્ રીતે સોંપવામાં આવ્યું હતું. અહીં પણ સંપૂર્ણ મહિલા ઓપરેટર ક્રૂને. એટલે કે મહિલાઓએ મશીન તૈયાર કર્યું અને હવે મહિલાઓ જ તેને પ્રોડક્શનમાં ચલાવશે.

એલ એન્ડ ટી CMBની કમિશનિંગ ટીમમાં અલિશા જેરાઈ, અનામિકા કેરાઈ, બનશ્રી મોંડલ, મોનરમા બેનર્જી, નૂતન બોબાંગા, પ્રિયંકા બિસ્વાસ, રૂબી શર્મા, સંજના સરકાર, સાસી કુમારી મહાતો અને સોમા કર્માકારનો સમાવેશ થતો હતો. આ સિદ્ધિ એલ એન્ડ ટી દ્વારા ઊભી કરાયેલ મજબૂત તાલીમ પ્રણાલીનું પ્રતિબિંબ છે, જે કઠોર ટેક્નિકલ ઇન્સ્ટ્રક્શનને માર્ગદર્શન અને મેદાની અનુભવ સાથે જોડે છે. ટીમની યાદગાર યાત્રા વિશે રૂબી શર્માએ કહ્યું હતું કે શરૂઆતમાં અમને શંકા હતી કે અમે કેટલાંક કામ કરી શકીશું કે નહીં, પરંતુ દિવસ પસાર થતા અમે સમજ્યા હતા કે એક પછી એક બધાં કામ અમે સફળતાપૂર્વક કરી શકીએ છીએ.