મુંબઈ: એ નેતા જેમનું 48 મતદારોએ બદલી નાખ્યું ભાવિ

મુંબઈ: લોકસભા ચૂંટણીના પરિણામો લગભગ સ્પષ્ટ છે. આ દરમિયાન શિવસેના (એકનાથ શિંદે જૂથ)ના ઉમેદવાર રવિન્દ્ર વાયકર મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠક પરથી માત્ર 48 મતોથી જીત્યા છે.2024ની લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં આ સૌથી ઓછા અંતરથી મળેલી જીત છે.

ચૂંટણી પંચના ડેટા અનુસાર, રવિન્દ્ર વાયકરને મુંબઈ ઉત્તર પશ્ચિમ (Mumbai North West) લોકસભા બેઠક પરથી 4,52,644 લાખ મત મળ્યા છે જ્યારે આ સીટ પર તેમના નજીકના હરીફ શિવસેના (UBT)ના ઉમેદવાર અમોલ કીર્તિકરને 4,52,596 વોટ મળ્યા છે.

મુંબઈ નોર્થ વેસ્ટ સીટ પર પોતાના પ્રતિસ્પર્ધીને માત્ર 48 વોટથી હરાવવાના પ્રશ્ન પર વાઈકરે આજતક સાથેની વાતચીતમાં કહ્યું હતું કે લોકશાહીમાં દરેક મતનું મૂલ્ય હોય છે. વાજપેયીજીની સરકાર એક મતથી પડી ગઈ હતી. મેં કહ્યું હતું કે હું લડીશ અને જીતીશ અને હું જીતી ગયો.મેં મહારાષ્ટ્ર, મુંબઈ અને દેશની સેવા કરવાની પ્રતિજ્ઞા લીધી છે. મેં કહ્યું હતું કે ભગવાન મને જે રીતે આપે છે તે રીતે મારે જીતવું છે.જીતવું હોય તો જીત્યા પછી સારું કામ કરવું પડશે. હવે સારું કામ કરવું છે.

મુંબઈની જોગેશ્વરી ઈસ્ટ સીટના ધારાસભ્ય વાયકર આ વર્ષની શરૂઆતમાં શિવસેના (UBT)માંથી મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનામાં જોડાયા હતા. મુંબઈ નોર્થ વેસ્ટ લોકસભા સીટ પરથી તેમની ઉમેદવારીની અંતિમ ક્ષણે જાહેરાત કરવામાં આવી હતી.મત ગણતરીના પ્રારંભિક વલણોમાં, બંને ઉમેદવારો અલગ-અલગ સમયે આ બેઠક પર આગળ હતા.

મત ગણતરી પ્રક્રિયામાં અનિયમિતતાની આશંકા વ્યક્ત કરતા શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે તેમની પાર્ટી આ પરિણામોને પડકારવાનું વિચારી રહી છે.