મુંબઈ: લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કાનું મતદાન આજે થયુ. આ દરમિયાન દેશના અલગ-અલગ ખૂણેથી મતદાન સંબંધિત સમાચારો આવી રહ્યા છે. વિશ્વની સૌથી નાના કદની મહિલા જ્યોતિ આમગેએ મહારાષ્ટ્રના નાગપુરમાં પોતાનો મત આપ્યો છે. તે પોતાના આખા પરિવાર સાથે મતદાન કરવા માટે મતદાન મથક પર પહોંચી હતી. મતદાન કર્યા બાદ તેમણે દેશના તમામ લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી.
મહારાષ્ટ્રની પાંચ સીટો પર આજે લોકોએ પૂરા ઉત્સાહ સાથે મતદાન કર્યુ.આ દરમિયાન વિશ્વની સૌથી નાના કદની મહિલાએ નાગપુર બેઠક પર મતાધિકારનો ઉપયોગ કર્યો. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર,જ્યોતિ આમગેને વિશ્વની સૌથી નાના કદની જીવંત મહિલા તરીકે ઓળખવામાં આવે છે.
જ્યોતિ આમગેનું નિવેદન પણ સામે આવ્યું છે. નાગપુરમાં મતદાન કર્યા પછી તેમણે કહ્યું,“મેં આજે મારા સમગ્ર પરિવાર સાથે મતદાન કર્યું છે. હું દરેક મતદારને પોતાનો મત આપવા અપીલ કરવા માંગુ છું કારણ કે તે આપણી ફરજ છે.”
કોણ છે જ્યોતિ આમગે?
જ્યોતિ આમગેનો જન્મ 16 ડિસેમ્બર 1993 ના રોજ નાગપુર, મહારાષ્ટ્રમાં થયો હતો. વ્યવસાયે તે એક અભિનેત્રી છે જે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર વિશ્વની સૌથી નાના કદની જીવંત મહિલા તરીકે જાણીતી છે. પ્રિમોર્ડિયલ બૌનાપન નામના આનુવંશિક વિકારને લીધે તેણી 62.8 સેન્ટિમીટર (2 ફૂટ 3/4 ઇંચ) ઉંચી છે.
2011 માં તેના 18મા જન્મદિવસ પછી જ્યોતિને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા સત્તાવાર રીતે વિશ્વની સૌથી ટૂંકી જીવતી મહિલા જાહેર કરવામાં આવી હતી. તેણે ઘણી ડોક્યુમેન્ટ્રીમાં અભિનય કર્યો છે. તે 2009 ની ડોક્યુમેન્ટ્રી “બોડી શોક: ટુ ફુટ ટોલ ટીન” જોવા મળી હતી. તેમજ 2014માં જ્યોતિ અ”અમેરિકન હોરર સ્ટોરી: ફ્રીક શો” માં પણ જોવા મળી હતી.
