મુંબઈ: મહારાષ્ટ્રની 13 બેઠકો પર આજે એટલે કે સોમવારે પાંચમા અને છેલ્લા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. જેમાં મુંબઈની છ બેઠકોનો સમાવેશ થાય છે. આ 13 બેઠકોમાંથી 7 બેઠકો પર ભાજપના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે છ બેઠકો પર મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનાના ઉમેદવારોની પ્રતિષ્ઠા દાવ પર છે. એમવીએ કેમ્પમાં કોંગ્રેસ ત્રણ બેઠકો પર, શરદ પવાર જૂથ બે બેઠકો પર અને ઉદ્ધવ ઠાકરે જૂથના ઉમેદવારો બાકીની 9 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે.ચૂંટણી પંચે મહારાષ્ટ્રમાં મતદાનના તાજેતરના આંકડા જાહેર કર્યા છે. સાંજે 5 વાગ્યા સુધી રાજ્યમાં 48.66 ટકા મતદાન થયું હતું.
મળતી માહિતી મુજબ, બોરીવલીના ઘણા વિસ્તારોમાં વોટિંગ મશીનો ખરાબ થઈ ગયા હતાં. લોકો કલાકો સુધી લાંબી લાઈનોમાં ઉભા હતાં. સ્થળ પર પાણી કે વ્હીલ ચેરની કોઈ વ્યવસ્થા નહોતી. બીજી તરફ કતારમાં ઉભેલા લોકો ચૂંટણી પંચ પાસે સમય વધારવાની માંગ કરી રહ્યા છે. જેમ જેમ સાંજ પડી રહી છે તેમ તેમ મતદારો મોટી સંખ્યામાં મતદાન કરવા આવી રહ્યા છે.
પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પત્રકાર પરિષદ યોજીને સરકાર પર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું, “હું લોકોને અપીલ કરું છું કે સરકાર મતદાન ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે, તેથી કૃપા કરીને મતદાન મથક પર જાઓ અને કતારમાં રહો જેથી તમને તમારો મત આપવાનો મોકો મળે.જાઓ અને લાઇનમાં આવો. જો સમય પૂરો થાય તો તેઓએ તમને તક આપવી પડશે. લોકો મતદાન કરવા માંગે છે, પરંતુ તેઓ જાણી જોઈને વિલંબ કરી રહ્યા છે. 5 વાગી ગયા છે લાઈન ઉભા રહો અને તમારો મત આપો. અમને જાણવા મળ્યું છે કે તેઓ પ્રક્રિયામાં વિલંબ કરી રહ્યા છે. સરકાર ચૂંટણી પંચના નામે રમત રમી રહી છે. જ્યાં ભાજપની લીડ છે ત્યાં તેઓ ઝડપી ગતિએ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરી રહ્યા છે. પરંતુ જ્યારે શિવસેનાના લોકો મતદાન કરવા માગે છે, તેઓ પ્રક્રિયામાં વિલંબ કરી રહ્યા છે.ભાજપ જાણી જોઈને આવું કરી રહ્યું છે. અમે સંપૂર્ણ ડેટા એકત્રિત કરીશું જ્યાં તેમણે પ્રક્રિયામાં વિલંબ કર્યો છે અને અમારા મતદારોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે અને પછી અમે ચૂંટણી પંચના પક્ષપાતી મંતવ્યો સામે કોર્ટમાં જઈશું.
મુંબઈ નોર્થ- 46.91 ટકા મતદાન
મુંબઈ નોર્થ સેન્ટ્રલ- 47.32 ટકા મતદાન
મુંબઈ નોર્થ ઈસ્ટ- 48.67 ટકા મતદાન
મુંબઈ નોર્થ વેસ્ટ- 49.79 ટકા મતદાન
મુંબઈ સાઉથ- 44.22 ટકા મતદાન
મુંબઈ સાઉથ સેન્ટ્રલ- 48.26 ટકા મતદાન
આ સિવાય અન્ય મતવિસ્તારના મતદાનના આંકડા જોઈએ તો ભીવંડીમાં 48.89 ટકા, કલ્યાણમાં 41.70 ટકા, પાલઘરમાં 54.32 ટકા અને થાણેમાં 45.38 ટકા મતદાન નોંધાયું છે.