મુંબઈમાં ધીમી ગતિએ મતદાન, ઉદ્ધવ ઠાકરેએ મતાધિકારનો કર્યો ઉપયોગ

મુંબઈ: લોકસભા ચૂંટણી 2024 માટેના મતદાનના તબક્કા 5 માટે બપોરે 1 વાગ્યા સુધીમાં મુંબઈમાં 27.78 ટકા મતદાન નોંધાયું હતું.શહેરના ત્રણ મતદાન મથકો, એક મુલુંડ (પૂર્વ)માં અને બે પવઈમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM)માં ખામી સર્જાઈ હતી. ઈવીએમ રિપેર કર્યા બાદ આ બે મતદાન મથક પર મતદાન ફરી શરૂ થયું હતું. મુંબઈની છ લોકસભા મતવિસ્તારમાંથી 99,38,621 લાખ મતદારો આજે તેમના મત આપી રહ્યા છે. મહારાષ્ટ્રમાં 1 વાગ્યા સુધીમાં 27.28 ટકા મતદાન થયું છે. ઉદ્ધવ ઠાકરે પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતાં.

કલ્યાણમાં 22.52 ટકા મતદાન થયું છે. મુંબઈ બેઠકોના મતદાનના આંકડા પર નજર કરીએ તો

મુંબઈ નોર્થ- 26.78 ટકા મતદાન
મુંબઈ નોર્થ ઈસ્ટ- 28.82 ટકા મતદાન
મુંબઈ નોર્થ સેન્ટ્રલ- 28.05 ટકા મતદાન
મુંબઈ નોર્થ વેસ્ટ- 28.41 ટકા મતદાન
મુંબઈ સાઉથ- 24.46 ટકા મતદાન
મુંબઈ સાઉથ સેન્ટ્રલ- 27.21 ટકા મતદાન

મુંબઈ પોલીસે શિવસેના (UBT)ના ત્રણ કાર્યકરોને પોલિંગ બૂથ નજીક ડમી ઈવીએમ લગાવવાના આરોપમાં અટકાયતમાં લીધા છે. આ અંગે પાર્ટીના નેતા સુનીલ રાઉતે કહ્યું કે ડમી ઈવીએમ એવા લોકોને શિક્ષિત કરવા માટે લાવવામાં આવ્યું હતું જેઓ વોટ કેવી રીતે કરવું નથી જાણતા. તેને મતદાન મથકથી 100 મીટરથી વધુ દૂર મૂકવામાં આવ્યું હતું. પોલીસને વિનંતી છે કે તેઓને છોડી દેવામાં આવે. ભાજપ જાણે છે કે તેમના ઉમેદવાર અહીંથી હારી જવાના છે, તેથી તેઓ અમારા પર દબાણ લાવવા પોલીસનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ અમે ડરતા નથી.

ક્રિકેટર સચિન તેંડુલકરે મુંબઈના એક મતદાન મથક પર મત આપ્યો છે. મત આપ્યા બાદ સચિન તેંડુલકરે કહ્યું હતું કે હું ચૂંટણી પંચનો નેશનલ આઈકન છું. હું મત આપવા અને જાગૃતિ લાવવાના ઘણા કાર્યક્રમોનો ભાગ રહ્યો છું. આજે એક ગૌરવપૂર્ણ ભારતીય તરીકે હું મતદાન કરવા સક્ષમ છું. હું તમામ મતદારોને મતદાન કરવાની અપીલ કરું છું કારણ કે તે દેશના ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

મહારાષ્ટ્રમાં પાંચમા તબક્કાના મતદાન દરમિયાન મતદારોમાં કોઈ ઉત્સાહ નથી. બપોરે 1 વાગ્યા સુધી જે મતદાન થયું હતું તે ધીમા મતદાનની સાક્ષી પૂરે છે. જોકે, મુંબઈમાં બૉલિવૂડ સેલેબ્સ સવારથી મતદાન મથક પર પહોંચી મતાધિકારનો ઉપયોગ કરી રહ્યાં છીએ.