ફેમસ અભિનેત્રી કંગના રનૌત હંમેશા પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેતી હોય છે. ભાજપે બૉલિવૂડની ક્વીનને હિમાચલ પ્રદેશના મંડીમાંથી ઉમેદવાર બનાવી છે. જેની સામે કૉંગ્રેસે પૂર્વ મુખ્યપ્રધાન વીરભદ્ર સિંહના પુત્ર વિક્રમઆદિત્ય સિંહને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. ચૂંટણીના પ્રચાર વચ્ચે કંગનાએ એક મોટુ નિવેદન આપ્યું છે. તેણીએ કહ્યું કે જો તે મંડીથી ચૂંટણી જીતી ગઈ તો ધીરે ધીરે બૉલિવૂડથી દૂર થઈ જશે અને સમગ્ર ધ્યાન રાજનીતિ પર આપશે. તેણીએ બૉલિવૂડને ખોટી દુનિયા પણ કહી છે.
ખોટી દુનિયા છે, જીતી ગઈ તો છોડી દઈશ બૉલિવૂડ!
નામી મીડિયા ચેનલ સાથે વાતચીત કરતી વખતે કંગનાને પૂછવામાં આવ્યું કે શું ફિલ્મોની સાથે સાથે રાજનીતિમાં રહેવું મુશ્કેલ છે? જેના જવાબમાં અભિનેત્રીએ કહ્યું કે, “ફિલ્મોની તો એક ખોટી દુનિયા છે… દરેક વસ્તુ ફેક છે. લોકોને આકર્ષિત કરવા માટે એક બબલ બનાવવામાં આવે છે. ફેક સિચ્યુએશન ક્રિએટ કરવામાં આવે છે. આઈડિયલી હું એક જ કામ કરવાનું પસંદ કરીશ. હું બંને કામ (ફિલ્મ અને રાજનીતિ) નહીં કરવા માંગુ. જેના પર રિપોર્ટરે પૂછ્યુ કે શું તમે એવું કહેવા માંગો છો કે જો મંડીથી જીતી ગયા તો ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દેશો? કંગનાએ જવાબ આપ્યો કે હું એક જ કામ કરવા માંગીશ. તેણીએ વધુમાં કહ્યું કે અત્યાર સુધીના તેના બૉલિવૂડના કમિટમેન્ટ્સ પૂરા કરી રાજનીતિ પર ધ્યાન આપશે.
જ્યારે કંગનાની જીભ લપસી
કંગના રનૌતે એક ચૂંટણી રેલી દરમિયાન રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)નેતા તેજસ્વી યાદવ પર નિશાન સાધવાના ઈરાદાથી ભૂલથી પોતાની જ પાર્ટીના સહયોગી તેજસ્વી સૂયાનું નામ લઈ લીધુ હતું. મંડીના સુંદરનગર વિસ્તારમાં શુક્રવારે એક જનસભામાં કંગનાએ ‘ઈન્ડિયા’ ગઠબંધનનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે વિપક્ષી ગઠબંધન બગડેલા શહેજાદાઓથી ભરેલું છે. કંગનાએ ઉમેર્યુ હતું કે બગડેલા શહેજાદાઓની એક પાર્ટી છે, તે પછી રાહુલ ગાંઘી હોય કે જેમણે ચાંદ પર બટેટા લગાવવા છે કે પછી તેજસ્વી સૂર્યા હોય જે ગુંડાગીરી કરતા રહે છે, માછલી ચાંઉથી ખાય છે.
નોંધનીય છે કે તેજસ્વી સૂર્યા બેંગલુરુ દક્ષિણના સાંસદ છે અને તે જ ક્ષેત્રના ભાજપના ઉમેદવાર પણ છે, જ્યારે કે તેજસ્વી યાદવ રાજદ નેતા છે.