નવી દિલ્હી: ભૂતપૂર્વ CM અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી છે. લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ દિલ્હી લિકર કૌભાંડ સંબંધિત કથિત મની લોન્ડરિંગ કેસમાં અરવિંદ કેજરીવાલ સામે કેસ ચલાવવા માટે EDને મંજૂરી આપી દીધી છે. EDએ આ કેસમાં તત્કાલીન CM અરવિંદ કેજરીવાલને અને મનીષ સિસોદિયાને માસ્ટરમાઇન્ડ ગણાવતાં 21 માર્ચે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને મે મહિનામાં તેમની, પાર્ટી અને અન્યો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
લેફ્ટનન્ટ ગવર્નર ઓફિસ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ એક્સાઇઝ પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલની સાથે-સાથે મનીષ સિસોદિયાએ સાઉથ લોબીની મદદ માટે લિકર પોલિસી 2021-22માં ફેરફાર કર્યો હતો, જેમાં રૂ. 100 કરોડની લાંચ આપવામાં આવી હતી. જેમાંથી રૂ. 45 કરોડ આમ આદમી પાર્ટીએ ગોવા વિધાનસભા ચૂંટણીની વિદાનસભાના ચૂંટણીપ્રચારમાં વાપર્યા હતા. જેથી પાંચ ડિસેમ્બરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અરવિંદ કેજરીવાલ સામે કેસ ચલાવવાની મંજૂરી માંગી હતી.
આ મહિનાની શરૂઆતમાં EDએ કેજરીવાલ સામે કેસ ચલાવવાની પરવાનગી માગી હતી. કેન્દ્રીય એજન્સીએ લિકરની નીતિની રચના અને અમલીકરણમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. EDએ 17 મેએ રોજ રાઉઝ એવન્યુ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે કેજરીવાલે ‘સાઉથ ગ્રુપ’ના સભ્યો સાથે મળીને 100 કરોડ રૂપિયાની લાંચ લીધી હતી. જોકે આમ આદમી પાર્ટીએ EDના આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. પાર્ટીનું કહેવું છે કે કથિત દારૂ કૌભાંડની તપાસ છેલ્લાં બે વર્ષથી ચાલી રહી છે, જેમાં 500 લોકોને પરેશાન કરવામાં આવ્યા છે. તેમજ 50,000 પાનાંના દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા છે અને 250 થી વધુ દરોડા પાડવામાં આવ્યા છે, પરંતુ આ કાર્યવાહીમાં એક પણ પૈસો વસૂલવામાં આવ્યો નથી. AAPએ એ પણ કહ્યું હતું આ કેસમાં ઘણી ખામીઓ સામે આવી છે. પાર્ટીનું માનવું છે કે ભાજપનો વાસ્તવિક ઉદ્દેશ AAP અને અરવિંદ કેજરીવાલને પરેશાન કરવાનો છે.
