કોમનવેલ્થ કબડ્ડી ૨૦૨૬ માટે ભારતીય ટીમનો ભાગ બન્યાં સભાઇબેન ગઢવી

ગાંધીનગર: અડગ મનોબળ, સખત મહેનત અને અવિરત સમર્પણથી અશક્યને પણ શક્ય બનાવી શકાય છે તે કચ્છની દીકરી સભાઇબેન ગઢવીએ સાબિત કરી બતાવ્યું છે. અમદાવાદ ખાતે ૨૩ થી ૩૧ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન આયોજિત વૈશ્વિક કક્ષાની ‘કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ ૨૦૨૬’ માટે ભારતીય મહિલા ટીમમાં પસંદગી પામીને સભાઇબેન ગઢવીએ ઇતિહાસ રચ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરનાર તેઓ ગુજરાતના પ્રથમ મહિલા કબડ્ડી ખેલાડી બન્યા છે, જે સમગ્ર રાજ્ય માટે અત્યંત ગૌરવની ક્ષણ છે.

સભાઇબેનની આ યાદગાર સફર કચ્છના માંડવી તાલુકાના નાના એવા મોટા ભાડિયા ગામની પ્રાથમિક શાળા નં-૨ ના મેદાનથી શરૂ થઈ હતી. શાળાના આચાર્ય મયુરભાઈ જોશી અને શિક્ષક હરેશભાઈ પંડ્યાએ તેમની રમત પ્રત્યેની અદ્ભુત પ્રતિભા ઓળખીને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું અને ‘ખેલ મહાકુંભ’ માટે તૈયાર કર્યા. ત્યારબાદ, મોરબીની નવજીવન વિદ્યાલય ખાતે પ્રવેશ મેળવીને તેમણે કોચ વિજયકુમાર ચૌધરી અને નરસિંહ રબારી પાસેથી કબડ્ડીના બારીક દાવપેચ શીખ્યા.

વર્ષ ૨૦૧૬માં વડોદરા ખાતે યોજાયેલા ખેલ મહાકુંભમાં ચોથું સ્થાન અને ૨૦૧૭માં ભાવનગર ખાતે રનર્સ-અપ રહીને તેમણે પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો હતો. વર્ષ ૨૦૧૮માં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG)ની ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS)ની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવીને ૨૦૧૮ થી ૨૦૨૨ સુધી PT ખેલાડી તરીકે સઘન તાલીમ લીધી. રાષ્ટ્રીય કક્ષાએ મેળવેલી સફળતાઓના આધારે ૨૦૨૨માં COE યોજના અને ૨૦૨૪માં સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (SAI)ના NCOE, ગાંધીનગર ખાતે તેમની પસંદગી થઈ, જ્યાં તેઓ હાલ તાલીમ મેળવી રહ્યાં છે.

પોતાની કરિયરમાં સભાઇબેને ખેલ મહાકુંભમાં U-14 બ્રોન્ઝ, U-17 ગોલ્ડ, SGFI U-19 ગોલ્ડ સહિત સબ-જુનિયર અને સિનિયર સ્પર્ધાઓમાં અનેક મેડલો મેળવ્યા છે. તેમણે વિવિધ રાષ્ટ્રીય ચૅમ્પિયનશિપ તેમજ ૨૦મી એશિયન ગેમ્સના ભારતીય કેમ્પમાં પણ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે.

એક દસકાની સખત તપસ્યા અને અવિરત પરિશ્રમ બાદ આજે સભાઇબેન ‘કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ ૨૦૨૬’માં ભારતીય ટીમ વતી રમતા શ્રેષ્ઠ દેખાવ કરી રહ્યાં છે. તાજેતરમાં જ એક મેચ દરમિયાન તેમને ‘બેસ્ટ ડિફેન્ડર’ તરીકે પણ જાહેર કરવામાં આવ્યા છે. તેમની આ સફર DLSS જેવી યોજનાઓની સફળતા અને ગુજરાતની દીકરીઓની અનંત ક્ષમતાનું ઉદાહરણ પૂરું પાડે છે. ભારતીય મહિલા કબડ્ડી ટીમ હવે સેમિફાઇનલ રાઉન્ડમાં પહોંચી ગઈ છે ત્યારે આખી ટીમ અને સભાઇબેનને આગામી મેચો માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ!