કોરિયન ફૂડ વ્લોગરે પોતાના માતા-પિતાને ભારતીય ભોજનનો પહેલીવાર આસ્વાદ કરાવ્યા બાદ તેમની વ્યક્ત થયેલી હૃદયસ્પર્શી પ્રતિક્રિયા વીડિયોમાં શેર કરી!
ભારતીય ભોજન તેના સમૃદ્ધ સ્વાદ તેમજ મોંઢામાં પાણી લાવી દેતી સોડમને લીધે દેશ-વિદેશમાં લોકો ભારતીય વાનગીના ચાહક થઈ જાય છે! સોશિયલ મીડિયાના માધ્યમથી આ વાત હવે જગજાહેર થવા લાગી છે. જેઓ ભારતીય ભોજન ખાઈને નથી ઉછર્યાં, તેઓ પણ ભારતીય વ્યંજનના રસિયા થઈ જાય છે! ભારતીય સમોસા, પાલક-પનીર, નાન, સાગ, બટર ચિકન વગેરે વાનગીઓ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. કોરિયન ફૂડ વ્લોગર અને લેખક જેમ્સ પાર્ક, જેઓ તેમની રસપ્રદ ફૂડ સમીક્ષાઓ અને દેશ-વિદેશની વિવિધ વાનગીઓની શોધખોળ માટે જાણીતા છે. તાજેતરમાં તેમણે એક વીડિયો શેર કર્યો, જેમાં ભારતીય ભોજનનો જાદુ જોવા મળે છે!
તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો, જેમાં તે પોતાના માતા-પિતાને પહેલીવાર ભારતીય ભોજન ખવડાવે છે. આ વીડિયોમાં, સ્વાદ ચાખવા પર કોરિયન દંપતીની હૃદયસ્પર્શી આનંદદાયક પ્રતિક્રિયાઓ જોવા મળે છે! એમની પ્રતિક્રિયાઓ જોઈને આપણા અમુક ભારતીયો કે, જેઓ વિદેશી ફૂડ ખાવામાં જ પોતાની મોટાઈ સમજતા હોય, તેઓ પણ કદાચ ભારતીય ભોજન પ્રત્યે આકર્ષિત થાય! ખરેખર આ વીડિયોમાં દંપતિની નિર્દોષ પ્રતિક્રિયા નિહાળવા લાયક છે!વીડિયોમાં કોરિયન વ્લોગર પાર્કના માતા-પિતા રંગબેરંગી અને મોહક ભારતીય વાનગીની ડિશોથી ગોઠવાયેલા ડાઇનિંગ ટેબલ સામે બેઠાં છે. આ ઉજાણીની શરૂઆત થાય છે આપણા ગ્રીષ્મકાલીન મનપસંદ પેય કેરીની લસ્સીથી!
પાર્કના પિતા લસ્સીની ચુસ્કી લેતાં જ કહે છે, ‘કેરીનો સ્વાદ હંમેશા અદ્ભુત હોય છે.’ તેની માતા લસ્સી પીધાં પછી ટિપ્પણી કરે છે, ‘આ તો ઘટ્ટ અને સ્વાદિષ્ટ છે.’
ત્યારબાદ તેઓ પાણીપુરીનો પ્રયાસ કરે છે. જેનો સ્વાદ લેતાં પાર્કની માતા કહે છે, ‘યમ, સ્વાદિષ્ટ!’ ચણા ચાટ ખાતાં જ પાર્કની માતા તેની તુલના ટોનકાત્સુ સોસ સાથે કરે છે, જે કોરિયન ભોજનનો જાણીતો સ્વાદ છે.
જ્યારે તેઓ લસણિયા નાન તરફ આગળ વધે છે. ત્યારે પાર્કના પિતા તેની સરખામણી પિઝા સાથે કરે છે. બીજી બાજુ તેની માતા નાન પર બટર ચિકનની ગ્રેવી ફેલાવતી નજરે ચઢે છે. આના પર વ્લોગર કહે છે. ‘તેને આ રીતે ખાશો નહીં. તેના બદલે તેને ગ્રેવીમાં ડુબાળીને ખાઓ.’ એ રીતે નાન ચાખતાં જ તેની માતા બોલી ઉઠે છે. ‘યમ્મ, આ ઘણું જ લહેજતદાર છે.’ ભોજનનું અન્વેષણ પંજાબી સાગ પનીર એટલે કે, પાલક પનીર સાથે ચાલુ છે.
પાર્કની માતા તેને નાન સાથે ચાખીને કહે છે, ‘આ સ્વાદ તો બહુ જ અનોખો છે.’ આગળ તેણી કહે છે, ‘આટલી વાનગીઓ ચાખી, તેમાં એક પણ મસાલો એવો નહીં હોય જે મને પસંદ ના આવ્યો હોય! આ ભાત તો, આપણે ત્યાં યેંગડેઓકમાં મળતાં કરચલા મિશ્રિત ભાત જેવો જ દેખાય છે અને તેનો સ્વાદ પણ તેના જેવો જ છે.’ તેણી ઉમેરે છે.
જ્યારે તેઓ બિરયાની ટ્રાય કરે છે, ત્યારે પાર્કના પિતા તેને પૂછે છે, ‘શું આ ફ્રાઈડ રાઈસ છે?’ જ્યારે તેની માતાએ ચાખ્યું તો તેણી ટિપ્પણી કરે છે, ‘આ પણ ખરેખર બહુ જ સ્વાદિષ્ટ છે!’
ઉજાણી પૂરી થતાં જ પાર્કના પિતા ભોજન વિશેના પોતાના અનુભવની પ્રતિક્રિયા આપતાં કહે છે, ‘આજનું ભોજન એટલે માત્ર ભારતીય ખોરાકને અજમાવવો તેના કરતાં વધુ છે! આ એક અદ્ભુત અનુભવ છે, જે મારા માટે એક મહાન સ્મૃતિરૂપ છે!’ તેની માતા કહે છે. ‘હું નથી ઈચ્છતી કે આ અનુભવ માત્ર એક સ્મૃતિના રૂપે પૂરો થઈ જાય. હું તો આ ભોજનનો આસ્વાદ ફરીવાર લેવા માંગું છું.
આ વીડિયો જોઈને ભારતીય તરીકે માત્ર અમે કે તમે જ નથી, જેઓ ખૂબ જ ગર્વ અનુભવે તેમજ ભોજનની ડિશ જોઈને ભૂખની લાગણી અનુભવી રહ્યાં હોય, તેવા વીડિયોના ટિપ્પણી વિભાગમાં પણ ઘણાં દર્શકોએ આવી જ લાગણીની અનુભૂતિ શેર કરી છે. એક વ્યક્તિએ લખ્યું, ‘આ કેટલું પ્યારું દેખાય છે કે, પિતાના ગાલ ઉપર બટર ચિકન સોસ લાગેલું છે! આ જોઈને ખ્યાલ આવે છે કે, તેમણે ખરેખર, ભોજનનો આસ્વાદ માણ્યો છે. આ રાત્રિભોજન બહુ જ સરસ દેખાય છે!’
અન્ય દર્શકે લખ્યું, ‘હું પણ મારા માતા-પિતા સાથે આવો જ વ્યવહાર કરવા માંગું છું.’
એક દર્શકે લખ્યું, ‘એક ભારતીય તરીકે મને ખૂબ આનંદ છે કે, તેઓએ ભોજનનો આનંદ માણ્યો!’
કોરિયન ફૂડ વ્લોગરના માતા-પિતાની હૃદયસ્પર્શી પ્રતિક્રિયા જોવા નીચે આપેલી લિન્ક વાપરોઃ
https://www.instagram.com/reel/C6w42BQvIT5/?utm_source=ig_web_copy_link