કોલકાતા રેપ મર્ડર કેસમાં ન્યાયની માંગ સાથે જુનિયર ડોક્ટરો સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. બુધવારના રોજ જુનિયર ડોકટરો અને મુખ્ય સચિવ મનોજ પંત વચ્ચેની બેઠક બાદ જુનિયર ડોકટરોએ શુક્રવારથી હડતાળ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. જુનિયર તબીબોની જનરલ બોડીની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. 9 ઓગસ્ટે લેડી ડોક્ટરના મોત બાદ જુનિયર ડોક્ટરો વિરોધ કરી રહ્યા હતા. ગુરુવારે જુનિયર તબીબોએ રેલી કાઢી હડતાળ સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. શુક્રવારે બપોરે, જુનિયર ડોકટરો કૂચ કરશે અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં ક્લિનિક્સ ચલાવશે. જુનિયર ડોકટરો શનિવારથી ઇમરજન્સી સેવાઓમાં જોડાશે.
વિરોધ કરી રહેલા જુનિયર ડૉક્ટર અનિકેત મહતોએ કહ્યું કે તેમનું આંદોલન ચાલુ રહેશે. શુક્રવારે બપોરે 3 વાગ્યે આરોગ્ય ભવનથી સોલ્ટ લેકમાં CGO કોમ્પ્લેક્સ સુધી શોભાયાત્રા કાઢવામાં આવશે.
તેમણે કહ્યું કે રાજ્યના ઘણા વિસ્તારો પૂર પ્રભાવિત છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય સંભાળ કેમ્પ શરૂ કરવામાં આવશે અને પીડિતોને આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે અમે શનિવારથી આંશિક રીતે કામમાં જોડાઈ રહ્યા છીએ, પરંતુ અમારી લડાઈ પૂરી થઈ નથી. આ લડાઈ ચાલુ રહેશે. મુખ્યમંત્રીએ આરોગ્ય સચિવના રાજીનામા પર સમય માંગ્યો છે. અમે તેના પર નજર રાખી રહ્યા છીએ. તેમણે કહ્યું કે જુનિયર ડોકટરો શનિવારથી ઇમરજન્સી સેવાઓમાં કામ કરવાનું શરૂ કરશે અને શુક્રવારે શોભાયાત્રા બાદ સ્વાસ્થય ભવન પાસેનો વિરોધ પાછો ખેંચી લેવામાં આવશે.