કોલકાતા ડૉક્ટર રેપ-મર્ડર કેસ: CBI તપાસનો આદેશ

કોલકાતા હાઈકોર્ટે આરજી મેડિકલ કોલેજના ટ્રેઈની ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે તાત્કાલિક તમામ દસ્તાવેજો સીબીઆઈને સોંપવા જણાવ્યું છે. આ દરમિયાન હાઈકોર્ટે મેડિકલ કોલેજના પ્રિન્સિપાલને અન્ય કોલેજના પ્રિન્સિપાલ બનાવવા માટે પશ્ચિમ બંગાળ સરકારને ભીંસમાં લીધી છે.

કોલકત્તા હાઈકોર્ટે પોલીસને મહિલા ડોક્ટરની હત્યા કેસ સાથે સંબંધિત તમામ દસ્તાવેજો બુધવારે સવારે 10 વાગ્યા સુધીમાં CBIને સોંપવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે હાઈકોર્ટે હડતાળ પર બેઠેલા તબીબોને હડતાળ ખતમ કરવા તાકીદ કરી છે. તેણે કહ્યું કે તે તેની ‘પવિત્ર જવાબદારી’ છે. ગઈકાલે પીડિત ડૉક્ટરના ઘરે ગયા બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે જો કોલકાતા પોલીસ રવિવાર સુધીમાં કેસ ઉકેલવામાં નિષ્ફળ જશે તો તેને સીબીઆઈને સોંપવામાં આવશે.

મહિલા તબીબની હત્યાની ફરિયાદ પ્રિન્સિપાલ દ્વારા કેમ ન અપાઈ ?

કોલકાતા બળાત્કાર કેસની સુનાવણી કરતી વખતે હાઇકોર્ટે મેડિકલ કોલેજના પ્રિન્સિપાલને જાતે જ રજા પર જવા કહ્યું, નહીં તો કોર્ટ આદેશ આપશે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સવાલ પૂછ્યો છે કે જ્યારે એક વિદ્યાર્થીનું મોત થયું હતું તો તે કેસમાં પ્રિન્સિપાલ દ્વારા કોઈ ફરિયાદ કેમ ન કરાઈ? આ શંકાને જન્મ આપે છે.