કેદારનાથમાં ફરી મોટી દુર્ઘટના, વાદળ ફાટ્યાં

ઉત્તરાખંડમાં ફરી એકવાર કુદરતનો કહેર જોવા મળી રહ્યો છે. કેદારનાથમાં વાદળ ફાટ્યા બાદ ભારે તારાજી સર્જાવાની આશંકા છે. બુધવારે રાત્રે વાદળ ફાટવાને કારણે સોનપ્રયાગમાં મંદાકિની નદીનું જળસ્તર અચાનક ઘણું વધી ગયું છે. લીંચોલીમાં વાદળ ફાટવાના સમાચાર મળ્યા બાદ એસડીઆરએફ, જિલ્લા પોલીસ, જિલ્લા વહીવટીતંત્ર સહિત તમામ તંત્ર એલર્ટ મોડ પર છે. કેદારનાથ ધામમાં 150-200 શ્રદ્ધાળુઓ ફસાયા હોવાની આશંકા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કેદારનાથ પદયાત્રી માર્ગ પર ભીમ બાલીના ગડેરા ખાતે વાદળ ફાટવાની ઘટના બની હતી. વાદળ ફાટવાની સાથે સ્થળ પર ભૂસ્ખલન પણ થયું હતું. ભારે પથ્થરોના કાટમાળને કારણે લગભગ 30 મીટરનો વૉકિંગ પાથ ક્ષતિગ્રસ્ત થયો છે. તકેદારીના પગલારૂપે રાહદારી માર્ગ પરનો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. ભીમ બલીમાં લગભગ 150 થી 200 શ્રદ્ધાળુઓ ફસાયેલા છે. હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

હરિદ્વારમાં બુધવારે સાંજે ભારે વરસાદ બાદ સમગ્ર શહેર પાણીમાં ડૂબી ગયું હતું. સૂકી નદીમાં પાણી ભરાઈ જતાં કંવારીયાઓના વાહનો ધોવાઈ ગયા હતા. અનેક વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. કંઢાલ પોલીસ સ્ટેશનમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા. વરસાદને કારણે ભૂપતવાલા, હરિદ્વાર, ન્યુ હરિદ્વાર, કંખલ, જ્વાલાપુરની ઘણી કોલોનીઓ અને બજારો ખરાબ હાલતમાં છે, દરેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે.

પ્રાદેશિક હવામાન કેન્દ્રે આગામી 48 કલાક માટે ઉત્તરાખંડના સાત જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ એલર્ટ મંગળવાર રાતથી અમલી છે. ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે દેહરાદૂન, ટિહરી, પૌરી, નૈનીતાલ, હરિદ્વાર, ઉધમ સિંહ નગર અને ચંપાવત જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ, ગાજવીજ, વીજળી અને ખૂબ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.