સૈફ અલી ખાન પર હુમલાની ઘટના અંગે કરીનાએ આપ્યું નિવેદન, જાણો શું કહ્યું?

મુંબઈ: બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર ગઈકાલે રાત્રે છરીથી હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક અજાણ્યા વ્યક્તિએ સૈફના ઘરમાં ઘૂસીને તેના પર છ વાર કર્યા. આવી સ્થિતિમાં આ મામલે અભિનેતાની પત્ની કરીના કપૂરની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે.

કરીના કપૂરનું પહેલું નિવેદન
કરીના કપૂરની ટીમ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં અભિનેત્રીએ ગઈકાલની રાતની ઘટનાનું વર્ણન કર્યું છે અને સૈફના સ્વાસ્થ્ય વિશે પણ જણાવ્યું છે. તેમણે કહ્યું,’ગઈકાલે રાત્રે ઘરમાં ચોરીનો પ્રયાસ થયો હતો. સૈફના હાથમાં ઈજા થઈ છે જેના કારણે તે હોસ્પિટલમાં છે અને તેની સર્જરી ચાલી રહી છે. પરિવારના બાકીના સભ્યો ઠીક છે.’

કરીના કપૂરે મીડિયા અને ચાહકોને વિનંતી કરી

નિવેદનમાં આગળ, કરીનાએ ચાહકોને ધીરજ રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું,’અમે મીડિયા અને ચાહકોને વિનંતી કરીએ છીએ કે તેઓ ધીરજ રાખે અને વધુ અટકળો ન કરે કારણ કે પોલીસ પહેલેથી જ તેમની યોગ્ય તપાસ કરી રહી છે. તમારી ચિંતા બદલ આપ સૌનો આભાર.’

એવું કહેવામાં આવી રહ્યું છે કે સૌ પ્રથમ સૈફના ઘરમાં ઘૂસેલા વ્યક્તિએ નોકરાણી પર હુમલો કર્યો. તે ચોરી કરવાના ઇરાદે ઘરમાં ઘુસ્યો અને પછી તેની નોકરાણી સાથે ઝપાઝપી થઈ. અવાજ સાંભળીને સૈફ અલી ખાન પોતાના રૂમમાંથી બહાર આવ્યો અને હુમલાખોરે તેના પર છરીથી હુમલો કર્યો.

લીલાવતી હોસ્પિટલમાં સૈફ અલી ખાનની સારવાર કરી રહેલા ડૉ. ઉત્તેમાનીએ જણાવ્યું હતું કે અભિનેતાના શરીર પર 6 ઘા છે. અભિનેતા પર હુમલો કરનાર છરીનો એક ભાગ તેની કરોડરજ્જુમાં ઘૂસી ગયો હતો. જોકે, તેને સર્જરી દ્વારા દૂર કરવામાં આવ્યું છે.