જીવરાજ પાર્કની આગની ઘટનામાં માસૂમનું મોત, ફાયર ઓફિસરની બહાદુરી એળે ગઈ

અમદાવાદ: જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે આવેલી જ્ઞાનદા સોસાયટીમાં 24 નંબરના વનસ્થલી નામના બંગલામાં 6 એપ્રિલના રોજ સાંજના સમયે આગ લાગવાની ઘટના બની હતી. આ આગ એટલી ભયંકર હતી કે, ACના નાના બાટલા ફૂટીને દૂર-દૂર સુધી ફેલાઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ ઘટનામાં એક સગર્ભા અને તેના 2 વર્ષના પુત્રનું મોત થયું છે. ડિવિઝનલ ફાયર ઓફિસર પંકજ રાવલ ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, ઘરમાં ઉપરના માળે બાળક અને તેની સર્ગભા માતા છે, જેથી પંકજ રાવલ તરત જ ઉપર દોડી ગયા હતા. જીવના જોખમે તેઓ ઘરમાં ગયા અને તુરંત જ એક બાળકનો જીવ બચાવવા માટે તેને તેડી નીચે લાવી હોસ્પિટલ પહોંચાડવા માટે રોડ પર દોડ્યા હતા. જોકે, બાળકનો જીવ બચી શક્યો ન હતો.

બાળકને બેડરૂમમાંથી ઉચકીને દોડીને 108 સુધી પહોંચાડ્યું

ફાયર ઓફિસર પોતાના સ્ટાફ સાથે આગ ચાલુ હોવા છતાં પણ ઉપરના માળે દોડી ગયા હતા અને જ્યારે જોયું ત્યારે એક બાળક બેડરૂમમાં હતું. જેથી, તેઓએ તરત જ બાળકને પોતાના હાથમાં ઉપાડી લીધું હતું. તેનો જીવ બચાવવા માટે તરત જ તેને તેડીને નીચે લઈને આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સમાં તેને લઈ જવાનું હતું પરંતુ, રોડ ઉપર લોકોની ભીડ અને ટ્રાફિક થયો હોવાના કારણે 108 એમ્બ્યુલન્સ અંદર આવી શકી નહોતી, જેના કારણે તેને પંકજ રાવલ દોડીને 108 એમ્બ્યુલન્સ સુધી દોડીને તેઓ લઈ ગયા હતા અને સૌપ્રથમ તેનો જીવ બચે તેના માટેના પ્રયત્ન કર્યા હતા અને તેને હોસ્પિટલ રવાના કર્યો હતો.

બંનેના જીવને બચાવવા અથાગ પ્રયાસ કર્યો પણ ન બચાવી શક્યા

જે ઘર આખું આગની ઝપેટમાં આવી ગયું હતું તેમાં જીવના જોખમે ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઉપરના માળે પહોંચી જ્યારે સર્ચ ચાલુ કર્યું ત્યારે પહેલા બેડરુમમાં તો કંઈ જ દેખાયું નહોતું પરંતુ, બાજુના રૂમમાં માતા અને બાળક પડ્યાં હતાં. આ રૂમમાં તરત જ બાળકને લઈને પંકજ રાવલ દોડી ગયા હતા અને ફાયર બ્રિગેડના અન્ય સ્ટાફ દ્વારા નીચેથી એક ચાદર મંગાવી હતી. તેનાથી તેઓને નીચે ઉતારીને ફાયર બ્રિગેડની ગાડીમાં જ તાત્કાલિક હોસ્પિટલ રવાના કર્યાં હતાં. જો કે, આગની ગંભીર ઘટનામાં બંનેનાં મૃત્યુ થઈ ગયાં હતાં. ફાયર બ્રિગેડના સ્ટાફે આગ વચ્ચે બંનેના જીવને બચાવવા અથાગ પ્રયાસ કર્યો પણ તેઓના જીવ બચી શક્યા નહોતા.

જીવરાજ પાર્ક ખાતે આગની ઘટનામાં ફાયર બ્રિગેડના જવાનોને કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આગ લાગવાની ઘટનામાં મોટી સંખ્યામાં લોકોનાં ટોળેટોળાં સોસાયટીની બહાર ભેગાં થઈ ગયાં હતાં. ફાયર બ્રિગેડનાં વાહનો ત્યાં પહોંચી ગયાં હતાં. લોકોની ભીડ હોવાના કારણે કામગીરીમાં કેટલીક અડચણો આવી હતી. લોકો ત્યાં ઊભા રહી અને મોબાઇલમાં વીડિયો બનાવતા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ, પોલીસ આવા ભેગા થયેલા લોકોને ત્યાંથી દૂર કરી શકી નહોતી. જે રોડ રસ્તા પહેલાથી બંધ કરવાની જરૂરિયાત હતી, તે રોડ-રસ્તા પર અવર-જવર બંધ કરી શક્યા નહોતા. લોકો ત્યાં વાહનો બહાર પાર્ક કરી અને ટ્રાફિક થાય તે રીતે રોડ ઉપર ઊભા રહી ગયા હતા. આવી અનેક વખત ઘટનાઓ બનતી હોય ત્યારે લોકો ટોળાં વળી અને ત્યાં પહોંચી જતા હોય છે ત્યારે તેને પોલીસ દૂર કરવામાં ઢીલાશ બતાવે છે.