જયપુર: રાજસ્થાનના રતનગઢમાં ફાઈટર પ્લેન ક્રેશ થયો છે. પ્રારંભિક માહિતી મુજબ ફાઈટર પ્લેન રાજલદેશર નજીક ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં પાઇલટ સહિત બે લોકોએ જીવ ગુમાવ્યો છે. આ ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને વહીવટી તંત્રની ટીમો ઘટનાસ્થળે રવાના થઈ છે. ગ્રામજનોની જાણકારી મુજબ આકાશમાંથી જોરદાર અવાજ આવ્યો ત્યાર બાદ ખેતરમાં આગની જ્વાળા અને ધુમાડો જોવા મળ્યો. ડિફેન્સ સ્રોતોના જણાવ્યા મુજબ ક્રેશ થયેલું ફાઈટર પ્લેન ભારતીય વાયુસેનાનું જગુઆર હતું.
માર્ચમાં પણ થયેલી દુર્ઘટના
આ વર્ષે માર્ચ મહિનામાં પણ એરફોર્સનું એક વિમાન ક્રેશ થયું હતું. આ વિમાને અંબાલા એરબેસ પરથી ઉડાન ભરી હતી, પરંતુ તે હરિયાણાના પંચકુલા જિલ્લામાં આવેલા રાયપુર રાણી નજીકના પહાડી વિસ્તારમાં ક્રેશ થયું હતું. પરંતુ રાહતની વાત એ હતી કે પાઇલટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો.
12 જૂને અમદાવાદમાં થયેલી દુર્ઘટના
આ પહેલાં 12 જૂને અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં મોટું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. વિમાને ટેક ઓફ કર્યું કે તરત જ દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. આ દુર્ઘટનામાં અનેક લોકો ગંભીર રીતે સળગી ગયા હતા અને તેમની ઓળખ શક્ય નહોતી, તેથી પીડિતોની ઓળખ માટે DNA ટેસ્ટ કરાવવો પડ્યો હતો. વિમાનમાં કુલ 242 યાત્રીઓ સવાર હતા, જેમાંથી ફક્ત એક જ વ્યક્તિ જીવતી બચી શકી હતી. ગુજરાતના ભૂતપૂર્વ CM વિજય રૂપાણી પણ આ વિમાનમાં સવાર હતા.
