જગદીપ ધનખરે અચાનક ઉપરાષ્ટ્રપતિ પદ પરથી આપ્યું રાજીનામું

ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે તાત્કાલિક અસરથી રાજીનામું આપ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લખેલા પત્રમાં, તેમણે સ્વાસ્થ્ય કારણોસર અને તબીબી સલાહનો ઉલ્લેખ કરીને બંધારણની કલમ 67(a) હેઠળ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિ મુર્મુને લખેલા પત્રમાં, જગદીપ ધનખરે લખ્યું, ‘સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીને અને તબીબી સલાહનું પાલન કરીને, હું તાત્કાલિક અસરથી ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી રહ્યો છું.’ તેમણે રાષ્ટ્રપતિનો તેમના સહયોગ અને સૌહાર્દપૂર્ણ સંબંધો બદલ આભાર માન્યો. તેમણે પ્રધાનમંત્રી અને મંત્રી પરિષદનો પણ તેમના સહયોગ અને માર્ગદર્શન માટે આભાર માન્યો.

જગદીપ ધનખરે પોતાના રાજીનામા પત્રમાં લખ્યું, ‘સંસદના તમામ માનનીય સભ્યો તરફથી મને મળેલો સ્નેહ, વિશ્વાસ અને આદર મારા હૃદયમાં જીવનભર રહેશે.’ ઉપરાષ્ટ્રપતિ તરીકેના તેમના કાર્યકાળને યાદ કરતા તેમણે કહ્યું, ‘આ મહાન લોકશાહીમાં ઉપરાષ્ટ્રપતિ તરીકે મને મળેલા અનુભવ અને દ્રષ્ટિકોણ માટે હું ખૂબ આભારી છું. “ભારતના આર્થિક વિકાસ અને અભૂતપૂર્વ પરિવર્તનના તબક્કાને જોવું મારા માટે સૌભાગ્ય અને સંતોષની વાત રહી છે.’ તેમણે ભારતના વૈશ્વિક ઉદય અને ઉજ્જવળ ભવિષ્યમાં અતૂટ વિશ્વાસ વ્યક્ત કરીને પોતાનું રાજીનામું પૂરું કર્યું.

જગદીપ ધનખડ 2022 માં ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. તેમણે 6 ઓગસ્ટ, 2022 ના રોજ યોજાયેલી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિપક્ષી ઉમેદવાર માર્ગારેટ આલ્વાને હરાવ્યા હતા. જગદીપ ધનખડને કુલ 725 માંથી 528 મત મળ્યા હતા, જ્યારે માર્ગારેટ આલ્વાને 182 મત મળ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ બનતા પહેલા, તેઓ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ હતા. જગદીપ ધનખડનો જન્મ 18 મે, 1951 ના રોજ રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લામાં એક સરળ ખેડૂત પરિવારમાં થયો હતો. તેમણે પોતાનું પ્રારંભિક શિક્ષણ ગામની શાળામાંથી જ પૂર્ણ કર્યું. આ પછી, શિષ્યવૃત્તિ મેળવ્યા પછી તેઓ ચિત્તોડગઢ સૈનિક શાળામાં અભ્યાસ કરવા ગયા. ધનખડની પસંદગી રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમીમાં થઈ હતી, પરંતુ તેઓ ગયા ન હતા.