ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કેટલાક શહેરોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની અસર યથાવત રહેશે. તો બીજી તરફ પોરબંદર, ગીર સોમનાથમાં હીટવેવની અસર દેખાઇ છે. તથા કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો 35 ડિગ્રીની ઉપર ગયો છે. કચ્છ, ગીરસોમનાથ અને પોરબંદરમાં ગરમ પવન ફૂંકાવાની આગાહી આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અમરેલીમાં નોંધાયું છે. અમદાવાદમાં 39 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પહોંચ્યું છે. પશ્ચિમથી ઉત્તર દિશામાં પવન ફૂંકાઇ રહ્યો હોવાથી ગરમીમાં વધારો થયો છે. આ સાથે જ હવામાન વિભાગે હિટ વેવમાં લોકો બપોર બાદ ઘરની બહાર ના જાય અને પાણી વધુ પીવું સૂચના આપવામાં આવી છે.
આગામી 5 દિવસ માટે હિટ વેવની આગાહી
રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 5 દિવસ માટે હિટ વેવની આગાહી કરવામાં આવી છે. આગામી એક સપ્તાહ રાજ્યમાં ગરમી યથાવત રહેશે. તેમજ રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. હાલ રાજ્યમાં પોરબંદર અને ગીર સોમનાથમાં હિટ વેવ નોંધાઇ છે. હીટવેવના પગલે હવામાન વિભાગે યલ્લો એલર્ટ જાહેર કર્યું છે.
ગીરસોમનાથ, રાજકોટ, અમરેલી અને દીવમાં હીટવેવની આગાહી
સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, રાજકોટ, અમરેલી અને દીવમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવનના કારણે સામાન્ય કરતા વધારે ગરમીની આગાહી કરાઇ છે. રાજ્યમાં આગામી 5 દિવસ સૂકું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે.