ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં ઠેર ઠેર મેઘરાજા બઘટાડી બોલાવી રહ્યા છે. આગામી 30 સપ્ટેમ્બર સુધી હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે પણ વહેલી સવારથી રાજ્યના અલગ-અલગ ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને રાત સુધીમાં શહેરના અનેક ઠેકાણે વરસાદી ઝાપટા પડ્યા હતા. આજે આખા દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં 11 મિ.મી વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદના ઝાપટા પડ્યા છે. અમદાવાદમાં પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાંજ સુધીમાં શહેરમાં અનેક ઠેકાણે વરસાદી ઝાપટા પડ્યા હતા.

આજે વહેલી સવારે 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધીમાં રાજ્યના 125 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. જે પૈકી સૌથી વધુ 137 મિ.મી (5.39 ઈંચ) વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડામાં નોંધાયો છે. આ સિવાય સુરત શહેરમાં 79 મિ.મી (3.11 ઈંચ), વડોદરા શહેરમાં 77 મિ.મી (3.03 ઈંચ),નવસારીમાં 66 મિ.મી (2.60 ઈંચ), સાબરકાંઠાના પ્રાંતિજમાં 60 મિ.મી (2.36 ઈંચ), સુરતના માંડવી અને નવસારીના ગણદેવીમાં 52-52 મિ.મી (2.05 ઈંચ) વરસાદ વરસ્યો છે. આજે આખા દિવસ દરમિયાન 18 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે 7 તાલુકામાં 2 ઈંચથી વધુ, 3 તાલુકામાં 3 ઈંચથી વધુ અને એક તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. રાત્રે 8 થી 10 વાગ્યા સુધીના બે કલાક દરમિયાન રાજ્યના 72 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જે પૈકી સૌથી વધુ 72 મિ.મી (2.83 ઈંચ) વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડામાં ખાબક્યો છે. આ સિવાય મહેસાણાના વિજાપુરમાં 33 મિ.મી (1.30 ઈંચ), છોટા ઉદેપુરમાં 24 મિ.મી, નવસારીમાં 23 મિ.મી, સુરતના કામરેજમાં 21 મિ.મી વરસાદ વરસ્યો છે.

વડોદરામાં સાંજે 6 થી રાતના 8 વાગ્યા દરમિયાન વડોદરા શહેરમાં તોફાની પવન સાથે 65 મિ.મી જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો હતો. 40 કિમી પ્રતિકલાકની ઝડપે ફૂંકાયેલા પવન સાથે ખાબકેલા વરસાદના કારણે વડોદરામાં ઠેર-ઠેર વૃક્ષ અને બેનર ધરાશાયી થઈ ગયા હતા. જેના પગલે વડોદરા ફાયર એન્ડ ઈમરજન્સી સેન્ટરનો કોલ સતત રણકતો રહ્યો હતો. વડોદરા ફાયર એન્ડ ઈમરજન્સી સેન્ટરને વૃક્ષ અને બેનર ધરાશાયી થવાના 200થી વધુ કોલ મળ્યા હતા. જેમાં એક કલાકમાં જ શહેરના રાવપુરા, સયાજીગંજ, અલકાપુરી, પાણીગેટ, ગુરુકુળ રોડ સહિતના સ્થળે 165થી વધુ વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. જ્યારે વીજ પૂરવઠો ખોરવાયો હોવાના 500થી વધુ કોલ MGVCLને મળ્યા છે. હાલ 12 ટીમ દ્વારા ધરાશાયી થયેલા વૃક્ષો અને બેનરોને હટાવવાની કામગીરી ચાલી રહી છે.

સુરતમાં બે કલાકમાં વરસ્યો બે ઇંચ વરસાદ

સુરતમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ પડવાથી ટેકસ્ટાઇલ માર્કેટની સ્થિતિ ખરાબ થવા પામી હતી. રઘુકુળ માર્કેટ, મિલેનિયમ માર્કેટ સહીતના માર્કેટોમાં પાણી ભરાયા હતા. માર્કેટમાં પાણી ભરાતા વેપારીઓની મુશ્કેલી વધી જવા પામી હતી. સુરત શહેરમાં બે કલાકમાં બે ઇંચ વરસાદથી જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

ગાજવીજ સાથે વરસાદ

આણંદના ઉમરેઠ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. ઉમરેઠ પંથકના રતનપુરા, લિંગડા થામણા સુંદલપુરા સહિત વિસ્તારમા ધોધમાર વરસાદ વરસ્યો હતો. દિવસ દરમિયાન ભારે ઉકરાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

ગુજરાતના 98 તાલુકામાં 1 થી 72 મિ.મી. સુધીનો વરસાદ

ગુજરાતમાં આજે સવારના 6 વાગ્યાથી રાત્રીના આઠ વાગ્યા સુધીમાં 98 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વઘુ વરસાદ સુરત શહેરમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. વડોદરા શહેરમાં અઢી ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. સુરતના ઉમરપાડામાં પણ અઢી ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. નવસારી જિલ્લાના ગણદેવી અને સુરતના માંડવીમા 2 ઈંચ વરસાદ વરસ્યો છે.