ગાઝા પટ્ટીમાં ફરી એકવાર યુદ્ધ નિર્ણાયક વળાંક પર પહોંચતું દેખાય છે. ઇઝરાયલી સેનાએ રવિવારે ગાઝા શહેર અને ઉત્તરીય વિસ્તારોમાં રહેતા નાગરિકોને તાત્કાલિક વિસ્તાર ખાલી કરવા સૂચના આપી હતી. સેનાનું કહેવું છે કે તે આ વિસ્તારોમાં “છે’ફાઈનલ સ્ટ્રાઈક” માટે તૈયારી કરી રહી છે, જેનો હેતુ હમાસના બાકીના નેટવર્કને સંપૂર્ણપણે નાશ કરવાનો છે.
દરમિયાન, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂને એક મહત્વપૂર્ણ જાહેર સંદેશ આપ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું – હવે સમય આવી ગયો છે, ગાઝામાં સોદો કરો, બંધકોને પાછા લાવો.
ઇઝરાયલનો અંતિમ હુમલો
IDF અરબી પ્રવક્તા કર્નલ અવિચાઈ અદારાઈએ રવિવારે X પર પોસ્ટ કરીને કહ્યું કે જબાલિયા, ગાઝા શહેર અને ઉત્તરી ગાઝાની આસપાસના વિસ્તારોમાં સેનાની કાર્યવાહી વધુ તીવ્ર, સઘન બનશે અને પશ્ચિમ તરફ આગળ વધશે. તેમણે કહ્યું, “હમાસ આપત્તિને આમંત્રણ આપી રહ્યું છે. યુદ્ધ ક્ષેત્રમાં પાછા ફરનારાઓ પોતાના જીવ જોખમમાં મૂકી રહ્યા છે.” સેનાએ નાગરિકોને ગાઝાના દક્ષિણી ક્ષેત્ર માવાસી તરફ સુરક્ષિત રીતે આગળ વધવા કહ્યું છે.
તાજેતરની સ્થિતિ
જબાલિયામાં હવાઈ હુમલામાં અનેક ઘરો નાશ પામ્યા છે. આ હુમલામાં 6 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ખાન યુનુસ નજીક એક તંબુ શિબિર પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 5 નાગરિકો માર્યા ગયા હતા. બીજી તરફ, હમાસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે તેમણે ઇજિપ્ત અને કતાર દ્વારા મધ્યસ્થી ફરી શરૂ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે, પરંતુ શરત એ છે કે યુદ્ધ સંપૂર્ણપણે સમાપ્ત થાય અને ઇઝરાયેલી સેના ગાઝામાંથી પાછી ખેંચી લે.
