ઇરાન પરમાણુ હથિયારોને ભૂલી જાય નહીં તો થશે હુમલોઃ ટ્રમ્પ

વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને કડક ચેતવણી આપતાં કહ્યું છે કે જો તે પોતાનો પરમાણુ કાર્યક્રમ નહીં છોડે તો તેમણે પરિણામ ભોગવવાં પડશે. ટ્રમ્પના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે શનિવારે અમેરિકા-ઈરાન વાટાઘાટો પહેલાં પત્રકારોને આ વાત કહી હતી.

તેમણે કહ્યું હતું કે ટ્રમ્પની પ્રાથમિકતા એ સુનિશ્ચિત કરવાની છે કે ઈરાન ક્યારેય પરમાણુ શસ્ત્રો પ્રાપ્ત ન કરે. ટ્રમ્પ રાજદ્વારી અધિકારીઓ દ્વારા ઉકેલ લાવવાનું સમર્થન કરે છે, પરંતુ જો રાજદ્વારી નિષ્ફળ જાય તો કડક પગલાં લેવા પણ તૈયાર છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે આ મામલે બધા વિકલ્પો ખુલ્લા છે. ઈરાન પાસે બે વિકલ્પો છે, જેમાં કાં તો તે ટ્રમ્પની માગ સ્વીકારે, અથવા ગંભીર પરિણામોનો સામનો કરવા માટે તૈયાર રહે. આ મુદ્દા પર ટ્રમ્પનો આ મક્કમ અભિપ્રાય છે.

અમેરિકાના ખાસ દૂત સ્ટીવ વિટકોફ શનિવારે ઓમાનમાં ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાકચીને મળશે. એક દાયકાથી વધુ સમયમાં અમેરિકા અને ઈરાન વચ્ચે આ પહેલી ઔપચારિક પરમાણુ વાટાઘાટો હશે. ઈરાનના સરકારી મિડિયા અનુસાર ઓમાનના વિદેશ મંત્રી બદર અલ-બુસૈદી આ વાતચીતમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવશે.

ટ્રમ્પે ઈરાનને નવા પરમાણુ કરાર પર સંમત થવા માટે 60 દિવસનો સમય આપ્યો છે અથવા લશ્કરી કાર્યવાહીની ધમકી આપી છે. આ ચેતવણી ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખોમેનીને પત્ર દ્વારા મોકલવામાં આવી હતી, એમ અહેવાલ કહે છે.

આ પત્રમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે તેહરાને વોશિંગ્ટન સાથે વાટાઘાટો કરવા માટે તૈયાર રહેવું જોઈએ, ભલે વાટાઘાટો સીધી હોય. નહિંતર, એવાં પરિણામો આવશે જે ઈરાની સરકારની સ્થિરતાને જોખમમાં મૂકી શકે છે. આ પહેલાં 30 માર્ચે ટ્રમ્પે ઈરાનને ધમકી આપી હતી કે જો તે તેના પરમાણુ કાર્યક્રમ પર કોઈ સમજૂતી નહીં કરે તો અમેરિકા તેના પર બોમ્બમારો કરી શકે છે. ટ્રમ્પે ઈરાન પર સેકન્ડરી ટેરિફ લાદવાની ધમકી પણ આપી હતી.