‘ઝેલેન્સ્કી તાનાશાહ છે’, ટ્રમ્પે આપ્યુ ફરી એક વખત વિવાદિત નિવેદન

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ત્રીજા વિશ્વ યુદ્ધ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કીને લઈને ફરી ચોંકાવનારું નિવેદન આપ્યું છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન ટ્રમ્પે પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડેનના વહીવટીતંત્રની પણ ટીકા કરી હતી.ટ્રમ્પે જણાવ્યું કે, “જો બાઈડેનની સરકાર વધુ એક વર્ષ સત્તામાં હોત, તો દુનિયા ત્રીજા વિશ્વ યુદ્ધમાં ઝંપલાવતી. હું હવે રાષ્ટ્રપતિ છું, તેથી આવું કંઈ નહીં થાય.” તેમણે દાવો કર્યો કે, તેમની પાસે વિશ્વ યુદ્ધ અટકાવવાનો પ્લાન છે. મધ્ય-પૂર્વ અને યુક્રેનના સંઘર્ષ પર પણ ટ્રમ્પે તીવ્ર પ્રતિક્રિયા આપી હતી.

વર્તમાન પરિસ્થિતિ પર ચિંતા
ટ્રમ્પે મિયામીમાં એક સભા સંબોધન દરમિયાન જણાવ્યું, “આ સમયની સ્થિતિ જોઈને લાગે છે કે ત્રીજો વિશ્વ યુદ્ધ દૂર નથી. જો બાઈડેનની નીતિઓને કારણે અમે યુદ્ધની કગાર પર આવી ગયા હતા, પણ હવે હું રાષ્ટ્રપતિ છું, તેથી વિશ્વમાં શાંતિ માટે પ્રયત્નશીલ રહીશ.” યુક્રેન-રશિયા સંઘર્ષમાં શાંતિ સ્થાપવાના પ્રયાસ માટે ટ્રમ્પે સાઉદી અરબિયાનો આભાર માન્યો હતો.

ઝેલેન્સ્કી પર પ્રહારો
ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી માટે તીખા શબ્દો વાપર્યા. તેમણે ઝેલેન્સ્કીને “કૉમેડિયન” અને “તાનાશાહ” કહેતા જણાવ્યું કે, “ઝેલેન્સ્કી ચૂંટણી વિના સત્તા પર કબજો જમાવી બેઠા છે.” ઉલ્લેખનીય છે કે, જ્યારે જો બાઈડેન અમેરિકાના રાષ્ટ્રપતિ હતા ત્યારે રશિયા-યુદ્ધમાં ઝેલેન્સ્કીની અનેક મદદ કરતા હતા, પરંતુ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદ અમેરિકા રશિયાના પક્ષમાં દેખાઈ રહ્યું છે.