અમેરિકામાં એરશો દરમિયાન બે વિમાન અથડાયાઃ છનાં-મોત

ડલાસ (ટેક્સાસ): અત્રે એક એરશો ચાલી રહ્યો હતો એ વખતે આકાશમાં એક B-17 હેવી બોમ્બર વિમાન બીજા એક વિમાન – બેલ P63 કિંગકોબ્રા સાથે અથડાતાં સર્જાયેલી દુર્ઘટનામાં છ જણનાં કરૂણ મોત નિપજ્યા છે. B-17 હેવી બોમ્બર વિમાન બીજા વિશ્વ યુદ્ધ વખતનું હતું. વિમાન અથડામણના ભયાનક-નાટ્યાત્મક દ્રશ્યોને ઘણા લોકોએ એમના મોબાઈલમાં ઝડપી લીધા હતા અને તેને ઈન્ટનેટ પર વાઈરલ કર્યા છે.

અમેરિકાઝ પ્રીમિયર વર્લ્ડ વોર એરશો વખતે આ દુર્ઘટના બની હતી. મૃત્યુ પામેલાઓમાં B-17 વિમાનના પાંચ ક્રૂ-સભ્યો જ્યારે P-63 વિમાનની એક વ્યક્તિનો સમાવેશ થાય છે. એરશોમાં બીજા વિશ્વ યુદ્ધમાં ઉપયોગમાં લેવાયેલા 40 વિમાનોને સામેલ કરવામાં આવ્યા હતા. એરશો જોવા માટે અનેક મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા.