તાઈવાન સાથે યુદ્ધ કરવાની ચીનની તૈયારી?

બીજિંગઃ દુનિયામાં એક તરફ, યૂક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા દોઢ વર્ષ કરતાંય વધારે સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. તો બીજી તરફ ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધે દુનિયાની ઊંઘ હરામ કરી દીધી છે. એવામાં હવે ચીન ત્રીજો મોરચો ખોલવાની તૈયારીમાં હોય એવું લાગે છે. એણે તાઈવાનને ઝપટમાં લેવા માટે પોતાના 43 લશ્કરી વિમાન અને 7 યુદ્ધજહાજોને તાઈવાન તરફ મોકલ્યા છે. તાઈવાનનું કહેવું છે કે પોતે ચીનના આ દબાણ સામે ઝૂકી જશે નહીં.

તાઈવાનનો દાવો છે કે ચીનના 43 લડાયક વિમાનોએ તાઈવાનની હવાઈ સીમાનો ભંગ કર્યો છે. સાથોસાથ, ચીને સાત યુદ્ધજહાજોને પણ તાઈવાનના સમુદ્રમાં મોકલ્યા છે. આ મામલે ચીને મર્યાદા ઓળંગી દીધી છે. ચીન ‘એક રાષ્ટ્ર’ ધોરણ અંતર્ગત તાઈવાનને પોતાનો અવિભાજ્ય ભાગ માને છે. જ્યારે તાઈવાન પોતાને સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્ર માને છે.