બીજિંગઃ ચીનના અલીબાબા ગ્રુપના સ્થાપક અને અબજોપતિ જેક મા લાપતા હોવાની અફવાએ હવે જોર પકડ્યું છે, કારણ કે એ બે મહિનાથી જાહેરમાં દેખાયા નથી. આ અબજોપતિ ચીનમાં સૌથી શ્રીમંતોની યાદીમાં બીજા નંબર પર છે. જ્યારે વિશ્વ સ્તરે ટોચના ઉદ્યોગપતિઓની યાદીમાં એમનો નંબર ત્રીજો છે.
જેક માનું છેલ્લું ટ્વીટ ગયા વર્ષની 10 ઓક્ટોબરે પોસ્ટ કરાયું હતું. ગયા નવેમ્બરમાં, આફ્રિકાના બિઝનેસ હિરોઝ નામના ટેલેન્ટ શોના આખરી એપિસોડમાં જેક મા જજ તરીકે ઉપસ્થિત થવાના હતા, પરંતુ અચાનક એમની જગ્યાએ અલીબાબા ગ્રુપના એક એક્ઝિક્યૂટિવ હાજર થયા હતા. અલીબાબાના પ્રવક્તાએ કહ્યું હતું કે જેક મા ખૂબ વ્યસ્ત હોવાને કારણે જજિંગ પેનલ પર ભાગ લઈ શકે એમ નથી. ઉલ્લેખનીય છે કે, ચીનમાં જેક માના એન્ટ ગ્રુપની પ્રવૃત્તિઓ ચીનની સરકાર દેખરેખ હેઠળ છે. ચીનની સરકારના ટીકાકાર બન્યા છે ત્યારથી જેક માની બિઝનેસ પ્રવૃત્તિઓ પર સત્તાવાળાઓ બારીક દેખરેખ રાખી રહ્યા છે.