ગર્વની ક્ષણ! UNSCમાં ભારતનો તિરંગો લહેરાશે

ન્યુ યોર્કઃ દરેક ભારતીય માટે ગર્વ ક્ષણ. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં સોમવારે ભારતીય તિરંગો લહેરાશે. ભારત ફરી એક વાર UNSCના હંગામી સભ્ય બનવા તૈયાર છે. એ સાથે દેશ સંયુક્ત રાષ્ટ્રની આ શક્તિશાળી કાઉન્સિલમાં બે વર્ષ માટે હંગામી સભ્ય તરીકે પોતાનો કાર્યકાળ શરૂ કરી રહ્યો છે. પાંચ નવા હંગામી દેશોના ઝંડા ચોથી જાન્યુઆરીએ એક વિશેષ સમારોહ દરમ્યાન લગાવવામાં આવશે. વર્ષ 2021માં ચોથી જાન્યુઆરીએ સત્તાવાર રીતે પહેલો કાર્ય દિવસ હશે.  

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ એમ્બેસેડર ટીએસ ત્રિમૂર્તિ દેશનો તિરંગો ફરકાવશે અને સમારોહને સંબોધિત કરશે. ભારતની સાથે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં નોર્વે, કેન્યા, આયર્લેન્ડ અને મેક્સિકો હંગામી સભ્યો છે.

આ સાથે હંગામી સભ્યો ઇસ્ટોનિયા, નાઇઝર, સેન્ટ વિન્સેટ, ગ્રેનાડા અને ટ્યુનિશિયા, વિયેતનામ પાંચ કાયમી સભ્યો ચીન, ફ્રાંસ, રશિયા, બ્રિટન અને અમેરિકાની સાથે આ કાઉન્સિલનો હિસ્સો બનશે.

ભારત ઓગસ્ટ, 2021માં સંયુક્ત રાષ્ટ્ર કાઉન્સિલનું અધ્યક્ષ બનશે અને પછી 2022માં એક મહિના માટે કાઉન્સિલનું અધ્યક્ષપદ સંભાળશે. આ કાઉન્સિલમાં ધ્વજ ફરકાવવાની પરંપરા 2018માં કજાકિસ્તાન દ્વારા કરવામાં આવી હતી. કાઉન્સિલના અધ્યક્ષ દરેક સભ્ય દેશને એક મહિના માટે બનાવવામાં આવે છે. જે દેશોના અંગ્રેજી આલ્ફાબેટના નામને આધારે નક્કી કરવામાં આવે છે.