પશ્ચિમી દેશોએ કોરોનાને ‘ચીની વાઇરસ’  કહેતાં ચીન લાલઘૂમ

વોશિંગ્ટન-બીજિંગઃ વિશ્વભરમાં કોરોના વાઇરસના કેસ અત્યાર સુધી 10 લાખને પાર થઈ ચૂક્યા છે. આમાં સૌથી વધુ કેસ અમેરિકાથી સામે આવ્યા છે અને હવે એ ચીનથી પણ વધુ થઈ ગયા છે. અમેરિકા એકલા 2,45,066 કોરોના કેસ થઈ ગયા છે અને 6,000થી વધુનાં મોત થઈ ચૂક્યાં છે. વિશ્વભરમાં આને લીધે 53,190નાં મોત થયાં છે. જોકે આ રોગમાંથી બે લાખથી વધુ લોકો મુક્ત થયા છે. સામે પક્ષે ચીનમાં અત્યાર સુધી 81,589 કેસ થયા છે અને અહીં 3,318 લોકોનાં મોત થયાં છે. હાલમાં અમેરિકા કોરોના વાઇરસના દર્દીઓ અને મોતને મામલે ચીનથી ઘણું આગળ નીકળી ગયું છે. વિશ્વની બે મહાશક્તિ વચ્ચે હવે જંગ છેડાઈ ગયું છે. વળી, આ જંગ પહેલાં અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા આ વાઇરસને ‘ચીની વાઇરસ’ કહેવા પર છેડાઈ ગયું હતું. આ ઉપરાંત ચીન દ્વારા મોતના આંકડા વિશે વાસ્તવિકતા છૂપાવવામાં આવતાં આ જંગ છેડાઈ ગયો છે. આ જંગમાં માત્ર અમેરિકા જ નહીં, બલકે કેટલાક પશ્ચિમી દેશો પણ અમેરિકાને સાથ આપી રહ્યા છે. જોકે સામે પક્ષે ચીને પણ આ આક્ષેપોનો જવાબ આપવા કમર કસી છે.

ચીનની અમેરિકા સહિત પશ્ચિમી દેશોને નિરાધાર નિવેદનો ના કરવા સલાહ

ચીનના વિદેશ મંત્રાલય દ્વારા અમેરિકા સહિત પશ્ચિમી દેશોને નિરાધાર નિવેદનો ના કરવા અને કોરોના સામે લડવા માટે યોગ્ય નીતિ બનાવવા માટે કહેવામાં આવ્યું છે. ચીન દ્વારા કહેવામાં આવ્યું છે કે અમેરિકા અને પશ્ચિમી દેશોની પોતાની ભૂલોને કારણે કોરોનાનો કહેર વધ્યો છે. એટલે ચીન ખોટી અફવાઓ ના ફેલાવવા આ દેશોને અરજ કરી હતી અને તેમને તેમના દર્દીઓની સંખ્યા ઓછી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું હતું.

ટ્રમ્પના નિવેદન પર ચીનની તીખી પ્રતિક્રિયા

ટ્રમ્પના નિવેદન સામે ચીને તીખી પ્રતિક્રિયા આપી હતી અને અમેરિકાને મર્યાદામાં રહેવા કહ્યું હતું. ચીનના સરકારી મિડિયા ગ્લોબલ ટાઇમ્સમાં ડિજિટલ એડિશનમાં પ્રકાશિત એક લેખમાં અમેરિકા નહીં, પણ પશ્ચિમી દેશો કોરોના જંગમાં હાર ચૂક્યા છે અને લાચાર છે, જ્યારે ચીને સ્થિતિ પર કાબૂ મેળવ્યો છે. જેથી ચીને ફાલતુ નિવેદનબાજીથી બચવા કહ્યું છે. સામે પક્ષે ફ્રાન્સમાં એક અહેવાલમાં ચીન પર આરોપ મૂક્યો હતો કે ચીને કોરોના પશ્ચિમી દેશોમાં ફેલાવ્યો હતો.

ચીનના કોરોનાના આંકડા પર આશંકા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકાર પરિષદમાં ચીને કોરોના વાઇરસને લીધે મૃતકોની સત્તાવાર જાહેર કરેલી સંખ્યા પર આશંકા વ્યક્ત કરી હતી. તેમનું કહેવું હતું કે ચીનના મોતનો આંકડો ઘણો લાગી રહ્યો છે. ટ્રમ્પે આ દાવો અમેરિકી જાસૂસના અહેવાલ મુજબ ચીને મૃતકોના આંકડા છૂપાવ્યા છે- એના પર કર્યો હતો.