વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વ્યાપાર ટેરિફને લઈને ભારત પર નિશાન સાધ્યું છે. ટ્રમ્પે અમેરિકી બાઈક હાર્લે ડેવિડસનના વેચાણ પર ભારત દ્વારા 50 ટકા ટેરિફ લગાવવા પર કહ્યું કે ભારત અમને પીગી બેંક સમજી રહ્યું છે. તેમણે કહ્યું કે અન્ય દેશો માટે અમેરિકા એક એવી બેંક છે કે જેને દરેક લૂંટવા ઈચ્છે છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારતે પહેલા હાર્લે ડેવિડસન પર 100 ટકા ટેરિફ ચાર્જ લગાવ્યો હતો. મારા વિરોધ બાદ આને 100 થી ઘટાડીને 50 ટકા કરી દેવામાં આવ્યો છે, પરંતુ હજી પણ આ ખૂબ વધારે છે અને અમને આ ટેરિફ મંજૂર નથી.
ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં આ વાત કરી છે. ટ્રમ્પે કહ્યું કે મારી લીડરશીપમાં અમેરિકા એક એવો દેશ બની ગયો છે, જેને તમે મૂર્ખ નથી બનાવી શકતા. અમે મૂર્ખ દેશ નથી. આપ ભારતને જ જોઈ લો. મારા ખૂબ સારા મિત્ર એવા વડાપ્રધાન મોદીએ શું કર્યું? મોટરસાઈકલ પર 100 ટકા ટેક્સ લગાવી દીધો. પરંતુ અમે તેમના વિરુદ્ધ કોઈ ચાર્જ ન લગાવ્યો.
ટ્રમ્પે હાર્લે ડેવિડસન બાઈક પર ભારત દ્વારા વધારે ઈમ્પોર્ટ ડ્યૂટી લગાવવાનો મુદ્દો સતત ઉઠાવતા રહ્યા. તેઓ ભારતીય બાઈક્સ પર ટેરિફ વધારવાની પણ ધમકી આપી ચૂક્યા છે. ટ્રમ્પે કહ્યું કે અમે તમામ દેશો સાથે વાત કરી રહ્યા છીએ. આના પર બ્રેક લાગવી જોઈએ, નહી તો અમે આ પ્રકારના દેશો સાથેના વ્યાપારને રોકી દઈશું. આવું કરવું પડશે તો અમારા માટે મોટો ફાયદો થશે.
ટ્રમ્પે ટેરિફ મુક્ત જી-7 માટે અપિલ કરી. તેમણે કહ્યું કે ન તો ટેરિફ હોવો જોઈએ અને ન તો કોઈ સબ્સિડી. અમેરિકા ફર્સ્ટ પોલિસી પર ભાર આપતા ટ્રમ્પે કહ્યું કે મારું અંતિમ લક્ષ્ય તમામ પ્રકારના વ્યાપારિક શુલ્કને ખતમ કરવાનું છે.