22 એપ્રિલ, 2025ના પહેલગામ આતંકવાદી હુમલા બાદ, જેમાં 26 નાગરિકો મૃત્યુ પામ્યા, ભારતે 1960ની સિંધુ જળ સંધિ સસ્પેન્ડ કરી પાકિસ્તાન સામે કડક પગલું ભર્યું. ચિનાબ નદી પરના સલાલ અને બગલિહાર ડેમના દરવાજા બંધ કરી પાણીનો પ્રવાહ રોકાયો, જેનાથી પાકિસ્તાન તરફનું વહેણ ઘટ્યું. આ નિર્ણયના ભાગરૂપે, ભારતે જમ્મુ-કાશ્મીરના હિમાલય ક્ષેત્રમાં આવેલી આ બે જળવિદ્યુત પરિયોજનાઓની જળસંચય ક્ષમતા વધારવાનું કામ 1 મે, 2025થી શરૂ કર્યું, જે સ્થાનિક વીજ ઉત્પાદન અને કૃષિ માટે ફાયદાકારક રહેશે.
NHPC અને જમ્મુ-કાશ્મીર સરકારે 1થી 3 મે દરમિયાન સલાલ (690 MW) અને બગલિહાર (450 MW) ડેમમાં ફ્લશિંગ પ્રક્રિયા હાથ ધરી, જેમાં જળાશયોમાં જમા થયેલો કાદવ-કીચડ દૂર કરાયો. આ પ્રક્રિયા ટર્બાઇનની કાર્યક્ષમતા વધારે છે અને વીજ ઉત્પાદનમાં વધારો કરે છે, જે અગાઉ પાકિસ્તાનના વિરોધને કારણે મર્યાદિત હતું. આ પગલાંથી ભારતના વીજ ઉત્પાદનમાં નોંધપાત્ર સુધારો થશે, જ્યારે પાકિસ્તાનની સિંચાઈ અને વીજ પુરવઠા પર ભવિષ્યમાં અસર થઈ શકે છે.
હાલ પાકિસ્તાનને આની તાત્કાલિક અસર નથી, કારણ કે ભારત પાસે સંપૂર્ણ પાણી રોકવાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. જોકે, ભારત ટૂંક સમયમાં જેલમ નદી પર કિશનગંગા ડેમના દરવાજા બંધ કરવાની યોજના ધરાવે છે, જે પાકિસ્તાનની ખેતી અને વીજ ઉત્પાદનને અસર કરી શકે છે. આ નિર્ણયે બંને દેશો વચ્ચે તણાવ વધાર્યો છે.
