વોશિંગ્ટન- અમેરિકન પ્રશાસનના એક અધિકારીએ જણાવ્યું કે, ટ્રમ્પ પ્રશાસન ઈરાન પર પ્રતિબંધોમાં છૂટ આપવા અંગે સક્રિય રીતે વિચારણા કરી રહ્યું છે. જે આગામી મહિનાથી ઈરાનથી તેલ આયાત ઘટાડનારા દેશો માટે ફરીવાર લાગૂ કરવમાં આવશે.ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ પ્રશાસને આ વર્ષે મે મહિનામાં તેહરાન પરમાણુ કાર્યક્રમ પરના કરારથી પીછે હટ કરી હતી. હવે અમેરિકા આગામી 4 નવેમ્બરથી ઈરાનના ક્રૂડ ઉપભોક્તાઓ ઉપર એકપક્ષીય પ્રતિબંધોને ફરીથી અમલમાં મૂકી રહ્યું છે.
આ પ્રતિબંધનો ઉદ્દેશ્ય તેહરાનને સીરિયા અને ઈરાકના સંઘર્ષમાં જોડાવાથી રોકવા અને તેના બેલેસ્ટિક મિસાઈલ પ્રોગ્રામને રોકવા માટે દબાણ કરવાની ફરજ પાડવા માટે છે. જોકે, ઈરાનનું કહેવું છે કે તેણે વર્ષ 2015ના પરમાણુ કરારનું પાલન કર્યું છે.
આપને જણાવી દઈએ કે, રશિયા સાથે S-400 મિસાઈલ કરાર બાદ હવે ભારતે અમેરિકાને વધુ એક ઝાટકો આપ્યો છે. ભારતે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે, અમેરિકાના પ્રતિબંધો છતાં ભારત ઈરાન સાથે વ્યાપાર ચાલુ રાખશે. સરકારી રિફાઈનરીએ ઈરાન પાસેથી 1.25 મિલિયન ટન ક્રૂડ ઓઈલ ખરીદવા કરાર કર્યા છે. એટલું જ નહીં ભારતે યુએસ ડોલરમાં ચૂકવણીના બદલે ભારતીય રુપિયામાં કારોબાર કરવાની દિશામાં પણ આગળ વધવા તૈયારી કરી છે.