ઈમ્પીચમેન્ટ પ્રસ્તાવઃ ટ્રમ્પને સેનેટે નિર્દોષ જાહેર કર્યા

વોશિંગ્ટનઃ અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈમ્પીચ થવામાંથી બચી ગયા છે. અમેરિકી સંસદમાં ટ્રમ્પ સામે એક જ વર્ષમાં બીજી વાર રજૂ કરાયેલા મહાભિયોગ (ઈમ્પીચમેન્ટ) પ્રસ્તાવમાં ગઈ કાલે એમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા. ગયા મહિને અમેરિકી સંસદભવન પર કરાયેલા ભયાનક હુમલા માટે સેનેટ ગૃહ ટ્રમ્પને દોષી જાહેર કરી શક્યું નહીં. અગાઉ, પ્રતિનિધિ સભાએ આ જ પ્રસ્તાવ પર ટ્રમ્પને દોષી જાહેર કર્યા હતા. ત્યારબાદ પ્રસ્તાવને સેનેટમાં રજૂ કરાયો હતો. પાંચ દિવસ સુધી ખટલો ચાલ્યો હતો. આખરે મતદાનમાં, ટ્રમ્પની વિરુદ્ધમાં 57 મત પડ્યા હતા જ્યારે તરફેણમાં 43 મત પડ્યા હતા. આમ, બે-તૃતિયાંશ બહુમતી ન મળતાં પ્રસ્તાવનો પરાજય થયો હતો.

ટ્રમ્પ પર આરોપ હતો કે ગયા વર્ષે યોજાઈ ગયેલી પ્રમુખપદની ચૂંટણીમાં થયેલી હાર સહન ન થતાં પરિણામનો વિરોધ કરવા માટે એમણે ગઈ 6 જાન્યુઆરીએ તેમના સમર્થકોને અમેરિકી સંસદ (યૂએસ કેપિટોલ) ભયાનક હુમલો કરવા માટે ઉશ્કેર્યા હતા. સેનેટ ગૃહમાં શાસક ડેમોક્રેટિક પક્ષના સભ્યોની સંખ્યા 50 છે. ટ્રમ્પને દોષી જાહેર કરાવવા માટે બે-તૃતિયાંશ (67) મત જોઈએ, પણ 10 મત ઓછા મળ્યા હતા. ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના 6 સભ્યોએ પણ ટ્રમ્પની વિરુદ્ધ મત આપ્યો હતો તે છતાં પ્રસ્તાવને બહુમતી મળી નહીં. આમ, રિપબ્લિકન પાર્ટીના વધુ સભ્યોએ ટ્રમ્પની તરફેણમાં મતદાન કરીને એમને બચાવી લીધા. પ્રતિનિધિ સભામાં ડેમોક્રેટિક પાર્ટીની બહુમતી છે એટલે ત્યાં ટ્રમ્પ સામે ઈમ્પીચમેન્ટ પ્રસ્તાવ પાસ થઈ શક્યો હતો.