શું ડોનાલ્ડ ટ્રમ્પ ખરેખર બોક્સર બન્યા? જાતે જ ટ્વીટ કરીને આપ્યો જવાબ

વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે પોતાની એક ફોટોશોપ એડિટેડ તસવીર ટ્વિટ કરી, જેમાં તેઓ એક બોક્સરના રૂપમાં જોવા મળી રહ્યા છે. જોકે ટ્રમ્પે તસવીર સાથે કોઈ કેપ્શન નથી લખ્યું. તેમ છતાં આ ફોટોને લઈને લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે, અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને ચાલી રહેલા તામજામ વચ્ચે તેમણે પોતાને બોક્સર તરીકે કેમ રજૂ કર્યા? તેઓ આ તસવીર મારફતે શું સંદેશ પાઠવવા માગે છે? કે આનો ઉદેશ માત્ર મનોરંજન પૂરતો જ છે?

ટ્રમ્પે જે તસવીર ટ્વીટ કરી છે તે એક કાલ્પનિક બોક્સરની છે. તેના ચહેરાની જગ્યાએ ટ્રમ્પનો ચહેરો લગાવવામાં આવ્યો છે. આ તસવીર 1982માં આવેલી ફિલ્મ ‘રોકી 3’ના પ્રચારમાં ઉપયોગમાં લેવામાં આવી હતી. ટ્રમ્પના આ ટ્વીટને લઈને લોકોએ અનેક મીમ્સ પણ શેર કર્યા છે. કેટલાક યૂઝર્સ તો બરાક ઓબામાના ફોટોની સાથે પણ જણાવી રહ્યા છે કે રાષ્ટ્રપતિને ફોટોશોપ એડિટેડ તસવીરની જરૂર રહેતી નથી.