પાંચ ભારતીય-અમેરિકન યૂએસ પ્રતિનિધિ-સભા ગૃહમાં ચૂંટાઈ આવ્યાં

વોશિંગ્ટનઃ અમેરિકામાં હાલ ચાલી રહેલી મધ્યસત્ર ચૂંટણીમાં જીત મેળવીને પાંચ ભારતીય-અમેરિકન રાજ્ય ધારાસભ્યો અમેરિકાની સંસદ (યૂએસ કોંગ્રેસ)ના નીચલા ગૃહ – પ્રતિનિધિ સભામાં ચૂંટાઈ આવ્યાં છે. આ પાંચેય રાજ્ય સ્તરનાં ધારાસભ્યો શાસક ડેમોક્રેટિક પાર્ટીના છે. એમનાં નામ છેઃ રાજા કૃષ્ણમૂર્તિ, રો ખન્ના, પ્રમિલા જયપાલ, શ્રી થાનેદાર અને એમી બેરા.

વોશિંગ્ટન પોસ્ટ અખબારે આજે જણાવ્યું છે કે ભારતીય-અમેરિકન આગેવાનો અમુક રોમાંચક મુકાબલાઓમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. મતદારોમાં ભારતીય-અમેરિકન લોકોની સંખ્યા વધી રહી છે અને તેઓ એક મહત્ત્વનાં જૂથ તરીકે ઉભરી રહ્યાં છે.

ભારતીય-અમેરિકન નેતાઓનો પ્રભાવશાળી દેખાવ

રો ખન્ના કેલિફોર્નિયાના 17મા કોંગ્રેસનલ જિલ્લાનું પ્રતિનિધિ કરે છે. એમની હાલની મુદત 2023ની 3 જાન્યુઆરીએ પૂરી થાયછે. એમણે આ જ મતવિસ્તારનું પ્રતિનિધિ કરવા યૂએસ હાઉસ (પ્રતિનિધિ સભા)માં ચૂંટાવા ચૂંટણી લડી હતી. તેઓ 8 નવેમ્બરે વિજેતા બન્યા હતા. એમણે રિપબ્લિકન પાર્ટીના રીતેશ ટંડનને પરાજય આપ્યો છે. કેલિફોર્નિયાનો 17મો કોંગ્રેસનલ જિલ્લા મતવિસ્તાર સિલિકોન વેલીમાં આવ્યો છે. હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ્સમાં પ્રમિલા જયપાલ એકમાત્ર ભારતીય-અમેરિકન મહિલા સભ્ય છે. ચેન્નાઈમાં જન્મેલાં પ્રમિલા વોશિંગ્ટનના 7મા કોંગ્રેસનલ ડિસ્ટ્રીક્ટનું પ્રતિનિધિત્વ કરે છે. મતદારોએ એમને પણ ફરી ચૂંટી કાઢ્યાં છે. એમી બેરા કેલિફોર્નિયાના 7મા કોંગ્રેસનલ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે મિશિગનમાં ડેમોક્રેટિક પાર્ટીના શ્રી થાનેદાર સંસદીય ચૂંટણી જીતનાર પ્રથમ ભારતીય-અમેરિકન બન્યા છે.

માત્ર 23 વર્ષનાં નબીલા સૈયદ ઈલીનોઈ રાજ્યની જનરલ એસેમ્બ્લીમાં ચૂંટાઈ આવ્યાં છે. તેઓ આ સભ્યપદ હાંસલ કરનાર અહીંનાં સૌથી યુવાન વયનાં છે. અગાઉનો રેકોર્ડ પેલેસ્ટિનીયન-અમેરિકન અબ્દેલ રશીદનો હતો. ભારતીય મૂળનાં નબીલાનો જન્મ ઈલીનોઈમાં થયો હતો.