વોશિંગ્ટનઃ અમેરિકાએ ભારતની સામે ચીનની આક્રમકતાની તીખી આલોચના કરતાં ખુલ્લેઆમ પ્રસ્તાવ પસાર કરીને આરોપ લગાવ્યો છે કે કોરોના સંક્રમણની આડમાં પીપલ્સ લિબરેશન આર્મી (PLA)નો ઉદ્દેશ ભારતની જમીન પર કબજો કરવાનો હતો. અમેરિકી સંસદના નીચલા ગૃહ પ્રતિનિધિ સભાએ લદ્દાખ તણાવને લઈને ભારતના સમર્થનમાં પ્રસ્તાવ પસાર કર્યો છે. ગૃહે આ પ્રસ્તાવને સર્વ સંમતિથી મંજૂરી આપી હતી, બલકે ગૃહનું માનવું છે કે ચીન એ વિસ્તારમાં ગેરકાયદે કબજો કરવાની ફિરાકમાં હતું. અત્રે એ ઉલ્લેખનીય છે કે લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે હિંસક અથડામણ પછી અમેરિકાએ ખુલ્લેઆમ ભારતનું સમર્થન કરવાનું શરૂ કર્યું છે.
NDAAમાં સુધારો પસાર
અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેન્ઝેન્ટેટિવ્ઝમાં નેશનલ ડિફેન્સ ઓથોરાઇઝેશન એક્ટ (NDAA)માં સુધારો પસાર કરવામાં આવ્યો હતો. આમાં ગલવાન ખીણમાં ભારતની સામે ચીનની આક્રમકતા અને દક્ષિણ ચીન સાગર જેવા વિવાદગ્રસ્ત ક્ષેત્રોમાં તથા આસપાસમાં ચીનની વધતી આક્રમકતા પર નિશાન સાધવામાં આવ્યું હતું. હાઉસ ઓફ રિપ્રેન્ઝેન્ટેટિવ્ઝમાં ચીનના વિસ્તારવાદી વલણ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આમાં કહેવામાં આવ્યું હતું કે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC), દક્ષિણ ચીન સાગર, સેનકાકુ દ્વીપ જેવાં વિવાદગ્રસ્ત ક્ષેત્રોમાં ચીનનો વિસ્તાર અને આક્રમકતા ઘેરી ચિંતાનો વિષય છે.
ભારતીય મૂળના સેનેટર દ્વારા પ્રસ્તાવ
ભારતીય મૂળના એમી બેરા અને એક અન્ય સંસદસભ્ય સ્ટીવ શૈબેટ નેશનલ ડિફેન્સ ઓથોરાઇઝેશન એક્ટ (NDAA)માં સુધારાનો પ્રસ્તાવ લઈને આવ્યા હતા. આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે ચીને ગલવાન ખીણમાં આક્રમકતા બતાવી છે અને એણે કોરોના પરથી ધ્યાન હટાવવા ભારતીય ક્ષેત્રો પર કબજો કરવાના પ્રયાસો કર્યા હતા. આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે ચીન લદ્દાખની જેમ 13 લાખ સ્ક્વેર માઇલ ચીનસાગરના સંપૂર્ણ વિસ્તારને ગેરકાયદે રીતે કબજો જમાવવા માગે છે. જ્યારે આ વિસ્તારો પર બ્રુનેઇ, મલેશિયા, ફિલિપિન્સ, તાઇવાન અને વિયેતનામ પણ દાવો કરે છે. સંસદમાં સંસદસભ્ય સ્ટીવ સૈબેટે નિવેદન કર્યું હતું કે ભારત એશિયા પ્રશાંતમાં અમેરિકાનો એક મહત્ત્વનો ભાગીદાર છે. તેમણે કહ્યું હતું કે હું ભારતને ટેકો આપું છું. આ સાથે એ ક્ષેત્રીય સહયોગીઓની સાથે ઊભો છું, જે ચીનની આક્રમકતાનો સામનો કરી રહ્યા છે.