વોશિંગ્ટનઃ અમેરિકાની કેન્દ્રિય બેન્ક – યૂનાઈટેડ સ્ટેટ્સ ફેડરલ રિઝર્વ સિસ્ટમે વ્યાજના દર વધારવાની જાહેરાત કરી છે. તેણે દેશમાં મોંઘવારીને કાબૂમાં રાખવા માટે વ્યાજના દરમાં 0.75 ટકા (બેસિસ પોઈન્ટ્સ)નો વધારો કર્યો છે. તેના આ નિર્ણયથી ભારતના વ્યાપારતંત્ર ઉપર અસર પડવાની સંભાવના છે.
ફેડરલ રિઝર્વે 1994ની સાલ પછી વ્યાજના દરમાં આ પહેલી વાર આટલો મોટો વધારો કર્યો છે. કરોડો અમેરિકાવાસીઓ અને ઉદ્યોગગૃહો પર આ પગલાની અસર પડશે. દેશનું અર્થતંત્ર ધીમું પડી જશે તેથી લોકો માટે ઘર ખરીદી માટે, કાર ખરીદી માટે કે અન્ય હેતુસર લોન લેવાનું મોંઘું થશે. ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે કહ્યું છે કે મોંઘવારીને કાબૂમાં નહીં આવે ત્યાં સુધી વ્યાજદરમાં વધારો કરાશે. અમેરિકામાં મોંઘવારી છેલ્લા 40 વર્ષમાં સૌથી વધુ ઝડપે વધી ગઈ છે. ગયા મહિને અમેરિકામાં મોંઘવારીનો દર 8.6 ટકા હતો. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજના દર વધારવામાં આવે એટલે લોન મોંઘી થાય. એને પગલે લોકોનો ખર્ચ ઘટી જાય. પરિણામે માગ ઘટે અને તેથી ચીજવસ્તુઓની કિંમત ઘટવાનું શરૂ થાય.
દુનિયાના અન્ય દેશોની જેમ અમેરિકાનું અર્થતંત્ર પણ ઊંચા ફૂગાવાના દરને કારણે સમસ્યાનો સામનો કરી રહ્યું છે. છેલ્લા 40 વર્ષમાં એના અર્થતંત્રને હાલ સૌથી મોટો ફટકો પડ્યો છે. વ્યાજના દરમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કરાશે એવી નિષ્ણાતોને ધારણા હતી જ, પરંતુ ફેડરલ રિઝર્વે 75 બીપીએસ વધારવાનો નિર્ણય લઈને સૌને ચોંકાવી દીધા છે.