અંકારા- તુર્કીના પ્રેસિડેન્ટના પ્રવક્તા ઈબ્રાહિમ કલિને જણાવ્યું કે, તુર્કીમાં બે વર્ષથી લગાવવામાં આવેલી રાજકીય કટોકટી આગામી 18 જુલાઈએ દુર કરવામાં આવી શકે છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ નવા પ્રધાન મંડળની પ્રથમ બેઠક બાદ પ્રેસિડેન્ટના પ્રવક્તાએ જણાવ્યું કે, ‘વર્તમાન સંજોગો જોતાં એવું લાગી રહ્યું છે કે, દેશમાં લાગુ કરવામાં આવેલી કટોકટી 18 જુલાઈએ દુર કરવામાં આવી શકે છે’.આપને જણાવી દઈએ કે, તુર્કીમાં વર્ષ 2016માં સત્તા પલટાવવાના નિષ્ફળ પ્રયાદ બાદ દેશમાં કટોકટી લાદવામાં આવી હતી. ત્યારબાદ તેનો સમયગાળો સાત વખત વધારવામાં આવ્યો હતો. તુર્કીમાં સત્તા પરિવર્તનના એ નિષ્ફળ પ્રયાસમાં આશરે 250 લોકો માર્યા ગયા હતા. અને બે હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા.
પ્રેસિડેન્ટના પ્રવક્તા ઈબ્રાહિમ કલિને જણાવ્યું કે, આતંકવાદ અટકાવવાના પ્રયાસો યથાવત રહેશે તેમાં કોઈ કમી નહીં આવે. અને જો ફરીવાર તુર્કીના શાસન પર હુમલો કરવાની ઘટના બનશે તો દેશમાં ફરીવાર કટોકટી લાગુ કરવામાં આવી શકે છે. આપને જણાવી દઈએ કે તુર્કીમાં ગત સપ્તાહે રેસેપ તઈપ એર્દોગાને તેમના બીજા કાર્યકાળ માટે તુર્કીના પ્રેસિડેન્ટ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.