નવી દિલ્હી- અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે, તે ગોલન હાઈટ્સ વિસ્તાર પર ઈઝરાયલના પ્રભુત્વને માન્યતા આપશે. ટ્રમ્પે કહ્યું કે, કે હવે સમય આવી ગયો છે કે અમેરિકા ગોલન હાઇટ્સને ઇઝરાયેલી વિસ્તારના રૂપે માન્યતા આપી દે.
ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું કે આ વિસ્તાર ઇઝરાયલ અને સ્થાનિક સ્થિરતા માટે અત્યંત મહત્ત્વનો છે. 52 વર્ષ બાદ હવે સમય આવી ગયો છે, જ્યારે અમેરિકા ગોલન પહાડી વિસ્તાર પર ઈઝરાયલના પ્રભૂત્વને માન્યતા આપી દે.
આ જાહેરાત બાદ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પ્રેસિડન્ટ ટ્રમ્પને ધન્યવાદ પાઠવતા ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું કે, એવા સમયે જ્યારે ઇરાન, ઇઝરાયલને બરબાદ કરવા માટે સીરિયાને પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કરી રહ્યું છે. પ્રેસિડન્ટ ટ્રમ્પે ગોલન હાઇટ્સ પર ઇઝરાયલ સાર્વભૌમત્વને માન્યતા આપી. પ્રેસિડન્ટ ટ્રમ્પને ધન્યવાદ.
તમને જણાવી દઈએ કે, 1967માં સીરિયા સાથે યુદ્ધ દરમિયાન ઇઝરાયેલે ગોલન હાઇટ્સ વિસ્તારને પોતાના કબ્જામાં લીધો હતો. એ વખતથી બંન્ને દેશો વચ્ચે સંબંધિત વિસ્તારને લઈને વિવાદ ચાલતો હતો.ઇઝરાયલે 1981માં આ વિસ્તાર પર પોતાનો દાવો કરતા ગોલન હાઇટ્સ પર પોતાનો કાયદો અને વહીવટી તંત્ર લાગુ કરી દીધાં હતાં.
સંયુક્ત રાષ્ટ્ર ગોલન હાઈટ્સ વિસ્તાર પર ઈઝરાયલના કબ્જાને માન્યતા નથી આપતું અને આ વિસ્તાર સીરિયાને પરત આપી દેવા કહી રહ્યું છે. બીજી બાજુ, સીરિયા આ વિસ્તારને પરત મેળવવા સતત પ્રયાસ કરી રહ્યું છે.
અરબ લીગના સભ્ય દેશોએ કહ્યું હતું કે, ગોલન હાઈટ્સ વિસ્તાર પર સિરિયાનો અધિકાર છે. અરબ લીગ મહાસચિવ અહમદ અબુલ ધીતે કહ્યું કે, સંગઠન ગોલન હાઈટ્સ મામલે સિરિયાનું સમર્થન કરે છે. હવે જોવું એ રહ્યું કે ગોલન હાઈટ્સ પર ઈઝરાયલને અધિકાર મળે છે કે, પછી સિરિયાને?