નૈરોબીઃ આફ્રિકી દેશ કેન્યામાં નવા ટેક્સ બિલને લઈને બબાલ થઈ છે. હજ્જારો લોકો રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોની વિરુદ્ધ પ્રદર્શન કરવા માટે રસ્તા પર ઊતરી આવ્યા છે. દેખાવકારોમાં મોટા ભાગના યુવાઓ છે. આક્રોશિત દેખાવકારોએ સંસદમાં આગ લગાડી દીધી. આ યુવાઓની ભીડે એક મોલને પણ આગને હવાલે કર્યો હતો. આ હિંસક દેખાવોમાં 13 લોકોનાં મોત થયાં છે અને આશરે 31 લોકો ઇજાગ્રસ્ત થયા છે.
સરકારે નવા ટેક્સ બિલમાં કેટલાય પ્રકારના ટેક્સ અને ટેરિફમાં કરેલા વધારાને કારણે કેન્યાવાસીઓમાં આક્રોશ ભભૂકી રહ્યો છે. કેન્યાની સંસદમાં ટેક્સ વધારાને લઈને રજૂ કરવામાં આવેલા બિલનો ભારે વિરોધ થઈ રહ્યો છે. પ્રદર્શનકારીઓના એક જૂથે સંસદમાં આગ લગાવી દીધી હતી. ઘટના સમયે અંદર ફસાયેલા સાંસદોને ફાયર બ્રિગેડ અને અન્ય સુરક્ષા એજન્સીઓની મદદથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. સંસદમાં આગ લગાડતાં પહેલાં પોલીસ કર્મચારીઓએ રાજધાની નૈરોબીમાં પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો હતો. આ વિરોધમાં હજારો લોકો ભાગ લઈ રહ્યા છે. દેખાવો દરમિયાન ઘાયલ થયેલા લોકોને સારવાર આપવા માટે દેશભરના ડોકટરોએ ઘણા શહેરોમાં ઇમરજન્સી હંગામી મેડિકલ કેમ્પ લગાવ્યા છે. કેન્યાના લોકો આ શિબિરો માટે પૈસા અને સામગ્રીનું દાન કરી રહ્યા છે.
કેન્યાના માનવાધિકાર પંચે મંગળવારે વિરોધીઓ પર ગોળીબારનો વીડિયો શેર કર્યો અને કહ્યું કે આ અધિકારીઓને જવાબદાર ગણવામાં આવશે. માનવ અધિકાર પંચે રાષ્ટ્રપતિ વિલિયમ રુટો વિરુદ્ધ ‘X’ પર પોસ્ટ કરી છે કે ‘દુનિયા તમને જુલમ તરફ આગળ વધતા જોઈ રહી છે, તમારી સરકારમાં લોકશાહી પર હુમલો થયો છે. વિરોધીઓ પર ગોળીબારમાં પ્રત્યક્ષ કે આડકતરી રીતે સામેલ તમામને જવાબદાર ઠેરવવા જોઈએ.’