બીજિંગઃ દુનિયાભરમાં કોરોના વાઈરસ મહાબીમારીનો શિકાર બનેલાઓની સંખ્યા 3 કરોડને ક્યારની પાર ગઈ છે અને 10 લાખથી વધારે લોકો મૃત્યુ પામ્યા છે. એક તરફ, તમામ મોટા દેશો આ રોગચાળાની ભીંસમાં આવેલા છે ત્યારે બીજી બાજુ, ચીનમાં ઘણા લોકો એમના ઘરની બહાર નીકળીને એમના રાષ્ટ્રીય દિવસની ઉજવણી કરી રહ્યાં છે.
એવું કહેવાય છે કે આ ભયાનક, જીવલેણ બીમારી ચીનમાંથી ઉદ્દભવી છે, પરંતુ ત્યાંના લોકોને હવે આ રોગચાળાનો કોઈ ભય લાગતો નથી. ચીનમાં લોકો રસ્તા પર ઉતરીને નાચગાન કરી રહ્યાં હોય એવી તસવીરો અને વિડિયો ક્લિપ્સ સોશિયલ મિડિયા પર ફરી રહી છે, જે ભારત સહિત દુનિયાના બીજા દેશોનાં લોકોને અચરજ પમાડે છે.
ચીનમાં દર વર્ષે 1-8 ઓક્ટોબરે રાષ્ટ્રીય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વખતે પણ જે તસવીરો વાઈરલ થઈ છે એ આ વખતની ઉજવણીને લગતી જ છે. ચીની લોકો, પર્યટકોએ કોરોનાના ભયને ભૂલાવી દીધો છે અને તેઓ સપ્તાહ-લાંબી રજાની મોજ માણી રહ્યાં છે. લોકો ઐતિહાસિક સ્થળોની મુલાકાતે જઈને સાથે મળીને, ગ્રુપ બનાવીને નાચે છે, ગીતો ગાય છે. કોઈના મોઢા પર માસ્ક દેખાતા નથી, કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાતું નથી. આ બધું જોતાં તો એમ જ લાગે કે ચીન કોરોના વાઈરસને લગતા સ્વાસ્થ્ય સુરક્ષાના નિયમોનું બેફામ રીતે ઉલ્લંઘન કરે છે.
ચીનમાં નેશનલ હોલીડેને ગોલ્ડન વીક તરીકે ઓળખવામાં આવે છે, જે 1 ઓક્ટોબરથી શરૂ થઈ 8 ઓક્ટોબર સુધી ચાલે છે. આ ચીલો 1949ની સાલથી શરૂ થયો છે અને હવે તે દર વર્ષે ઉજવવામાં આવે છે.