ઈસ્લામાબાદ – સમર્થનવિહોણા અહેવાલોના જણાવ્યા મુજબ ત્રાસવાદી મૌલાના મસૂદ અઝહર મૃત્યુ પામ્યો છે. મસૂદ પાકિસ્તાનસ્થિત ત્રાસવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો વડો હતો. એના જ સંગઠને ગઈ 14 ફેબ્રુઆરીએ જમ્મુ અને કશ્મીર રાજ્યના પુલવામા જિલ્લામાં 40 સીઆરપીએફ જવાનોનો ભોગ લેનાર આત્મઘાતી ત્રાસવાદી વિસ્ફોટ-હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. એને પગલે ભારતીય હવાઈ દળે પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીર તથા ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના બાલાકોટમાં હવાઈ હુમલાઓ કર્યા હતા અને ત્રાસવાદી સંગઠનના અડ્ડાઓનો નાશ કર્યો હતો.
સૂત્રોનો દાવો છે કે મસૂદ ગઈ 2 માર્ચે પાકિસ્તાનના રાવલપિંડી શહેરમાં મિલિટરી હોસ્પિટલમાં મૃત્યુ પામ્યો હતો.
જોકે પાકિસ્તાને હજી સુધી આ વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પણ ગુપ્તચર વિભાગના સૂત્રોનો દાવો છે કે મસૂદ લિવરના કેન્સરને કારણે મૃત્યુ પામ્યો હતો.
પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મેહમૂદ કુરેશીએ ગયા શુક્રવારે કબૂલ કર્યું હતું કે મસૂદ અઝહર પાકિસ્તાનમાં જ છે. એની તબિયત બરાબર નથી. એ એટલી હદે બીમાર છે કે એના ઘરની બહાર નીકળી પણ શકતો નથી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે આટલી બધી તંગદિલી છે તો તમે મસૂદની ધરપકડ કેમ નથી કરતા? તો કુરેશીએ એમ કહ્યું હતું કે ભારતે મસૂદ વિરુદ્ધ પાકિસ્તાનને નક્કર પુરાવા આપવા જોઈએ.
જોકે ભૂતકાળમાં અનેક વાર ભારત જૈશ-એ-મોહમ્મદની ભારત વિરુદ્ધની ત્રાસવાદી પ્રવૃત્તિઓ વિશે પાકિસ્તાનને અનેક વાર રજૂઆતો કરી ચૂક્યું છે, તે છતાં પાકિસ્તાન સરકારે મસૂદ સામે કોઈ પગલું ભર્યું નથી.
ગઈ 14 ફેબ્રુઆરીએ સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના આશરે 2500 જવાનો સાથે 78 વાહનોનો કાફલો પુલવામા જિલ્લામાં જમ્મુ-શ્રીનગર હાઈવે પરથી પસાર થતો હતો ત્યારે જૈશ-એ-મોહમ્મદના એક આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટ કરતાં 40 જવાન વીરગતિ પામ્યા હતા.
ભારતના હવાઈ હુમલાઓમાં જૈશના અડ્ડાઓને નુકસાન થયાનો મસૂદના ભાઈનો એકરાર
દરમિયાન, મસૂદ અઝહરના ભાઈ મૌલાના અમ્મારે કબૂલ કર્યું છે કે ભારતીય હવાઈ દળના હુમલાઓમાં બાલાકોટ સ્થિત જૈશ-એ-મોહમ્મદની તાલીમ શિબિરોને ઘણું નુકસાન થયું છે.
એક ઓડિયો સંદેશામાં મૌલાના અમ્માર એવું બોલતા સંભળાય છે કે ભારતીય જેટ વિમાનોએ તાલીમ શિબિરો પર હુમલો કર્યો હતો અને એમાં શિબિરોને ઘણું નુકસાન થયું છે.
અમ્મારે કહ્યું કે ભારતીય વિમાનોએ સંગઠનના કોઈ સુરક્ષિત ઘર કે મુખ્યાલય પર હુમલો કર્યો નહોતો, પણ જ્યાં વિદ્યાર્થીઓને જિહાદ શિખડાવવામાં આવે છે તે શાળાઓ પર હુમલો કર્યો હતો.
મૌલાના અમ્મારે એના ચેલાઓને એમ કહ્યું હતું કે આ હુમલાનો બદલો લેવા માટે સંગઠને નવેસરથી જિહાદ શરૂ કરવી પડશે.