કાબુલ – ઉગ્રવાદી જૂથ તાલીબાન તથા અફઘાનિસ્તાનમાં અમેરિકાના વિશેષ રાજદૂત વચ્ચે ત્રણ-દિવસ સુધી ચાલેલી શાંતિ મંત્રણા આજે પૂરી થઈ છે અને એમાં કોઈ પ્રકારનું સમાધાન થયું નથી.
અફઘાનિસ્તાનમાં 17 વર્ષ જૂના યુદ્ધનો અંત લાવવા માટે એપ્રિલ-2019ની ડેડલાઈન નક્કી કરવામાં આવી હોવાની અમેરિકી રાજદૂતે જાહેરાત કર્યા બાદ તાલીબાને કહ્યું છે કે એણે અમેરિકા સાથે કોઈ પ્રકારનો કરાર કર્યો નથી.
અમેરિકાની આગેવાની હેઠળના NATO સમૂહના દેશોએ 2014માં યુદ્ધની કામગીરીઓનો વિધિસર અંત લાવી દીધા બાદ અફઘાનિસ્તાનમાં સુરક્ષા પરિસ્થિતિ વધારે ખરાબ થઈ છે. કારણ કે, અફઘાનિસ્તાનમાં કડક ઈસ્લામીક કાયદો ફરી લાગુ કરવા માટે તાલીબાન બળવાખોરો ફરી સક્રિય થયા છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકાની આગેવાની હેઠળના આંતરરાષ્ટ્રીય સૈન્યએ આક્રમણ કરીને 2001માં તાલીબાન શાસકોને પદભ્રષ્ટ કર્યા હતા.
ઉગ્રમતવાદી ઈસ્લામિસ્ટ જૂથ તાલીબાનના નેતાઓ ગયા અઠવાડિયે કતરમાં એમના રાજકીય મુખ્યાલયમાં અમેરિકી વિશેષ રાજદૂત ઝલમય ખાલીઝાદને મળ્યા હતા. છેલ્લા એક મહિનામાં બંને પક્ષ વચ્ચે આ બીજી વાર મંત્રણા થઈ હતી.
તાલીબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે કહ્યું છે કે મંત્રણા પ્રાથમિક સ્તરની હતી અને કોઈ પણ મુદ્દે કોઈ પ્રકારની સમજૂતી કરવામાં આવી નથી. અમેરિકાએ મૂકેલી કોઈ પણ ડેડલાઈનનો તાલીબાન નેતાઓએ સ્વીકાર કર્યો નથી.
ખાલીઝાદ અફઘાનિસ્તાનમાં જન્મેલા યુએસ રાજદૂત છે, જેમને તાલીબાન સાથે શાંતિ મંત્રણા કરવાની અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા આપી છે.
અગાઉ એવો અહેવાલ હતો કે અફઘાનિસ્તાનમાં યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકાએ 20 એપ્રિલની ડેડલાઈન આપી છે.