સીરિયામાં નાટો-રુસ વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઇ રહી છે?

નવી દિલ્હીઃ સીરિયામાં તુર્કીના 33 સૈનિકો હવાઇ હુમલામાં માર્યા ગયા બાદ નાટો અને રશિયા વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ પેદા થઇ ગઇ છે. નાટો દેશોએ પોતાના સહયોગી તુર્કીના સૈનિકોની હત્યાને ગંભીરતાથી લીધી છે અને હવે તે અંકારાને સમર્થન આપી રહ્યા છે. નાટો દેશ હવે તુર્કીના એર ડિફેન્સ સિસ્ટમને મજબૂત કરવા જઇ રહ્યા છે. આ વચ્ચે તુર્કીના રાષ્ટ્રપતિ અર્દોઆને ધમકી આપી છે કે સીરિયા સરકારને તુર્કીના સૈનિકોની હત્યાની કિંમત ચૂકવવી પડશે.

આ અગાઉ તુર્કીએ પોતાના સૈનિકો માર્યા ગયા બાદ નાટો દેશોને વિનંતી કરી હતી કે તે નો ફ્લાય ઝોન સ્થાપિત કરવામાં આવે પરંતુ કહેવામાં આવી રહ્યુ છે કે નાટો દેશોએ એમ કરવાનો ઇનકાર કરી દીધો છે. નાટો દેશોને ડર છે કે જો તેમણે નો ફ્લાય ઝોન સ્થાપિત કર્યો તો તેનાથી તેમનો સીધો સંઘર્ષ રશિયન એરફોર્સ સાથે થશે. નાટોના મહાસચિવ જેન્સ સ્ટોલ્ટેનબર્ગે કહ્યુ કે, અમે હુમલા બાદ પશ્વિમી દેશોના આ સૈન્ય ગઠબંધને તુર્કી સાથે પોતાની એકજૂટતા બતાવી છે.

જોકે, સ્ટોલ્ટેનબર્ગે તત્કાલ તુર્કીને કોઇ સૈન્ય સહાયતા આપવાની સંભાવનાનો ઇનકાર કર્યો છે. સૂત્રોના મતે નાટો સીરિયામાં હવાઇ દેખરેખ વધારવા અને સ્પેન તરફથી સંચાલિત અમેરિકન પેટ્રિઆટ એર ડિફેન્સ સિસ્ટમને બનાવવા પર વિચાર કરી રહ્યું છે. આ અગાઉ અમેરિકાએ કહ્યું હતું કે, તે ફક્ત તમામ પેટ્રિઆટ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ તુર્કીને આપશે. જ્યારે તે રશિયા પાસેથી એસ-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમથી પોતાને અલગ કરી દેશે.

રશિયા સાથે યુદ્ધની કગાર પર ઉભેલું તુર્કી રશિયા પાસેથી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ એસ-400 ખરીદી રહ્યું છે. આ ડીલ માટે તુર્કીએ અમેરિકા સાથે પોતાની મિત્રતાને પણ દાવ પર લગાવી દીધી છે. બાદમાં અમેરિકાએ પોતાના એફ-35 ફાઈટર જેટના વેચાણને રોકી દીધું હતું. આ પહેલા નાટો દેશોએ એક તાત્કાલીક બેઠક કરી હતી. આર્ટિકલ 4 અંતર્ગત આ બેઠક ત્યારે આયોજિત કરવામાં આવે છે કે જ્યારે તેની સુરક્ષામાં ગંભીર સંકટ આવી જાય છે.