નવી દિલ્હી- દક્ષિણી ફિલિપીન્સના મિન્દનાઓ ટાપુમાં શનિવારે 6.9ની તીવ્રતાના ભયાવહ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ફિલિપીન્સ અને પાડોશી દેશ ઈન્ડોનેશિયાના કેટલાક વિસ્તારોમાં સુનામી ત્રાટકે તેવી આશંકા છે. અમેરિકન ભૂગર્ભ સર્વેક્ષણે જણાવ્યું કે, ભૂકંપનું કેન્દ્ર બિંદુ દવાવો શહેરના દક્ષિણ પૂર્વમાં 59 કિલોમીટર પર સ્થિત છે. આ સાથે ચેતવણી સેન્ટરે ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા અને પલાઉમાં સુનામી ત્રાટકવાની પણ આગાહી કરી છે.
પેસેફિક સુનામી વોર્નિંગ સેન્ટરે જણાવ્યું હતું કે, ભૂકંપને પગલે સુનામીના હળવા મોજા ફિલિપીન્સ અને ઇન્ડિનોશિયા પર ત્રાટકી શકે છે. સેન્ટરે ચેતવણી આપી હતી કે, 30 સેમી કરતાં ઓછી ઊંચાઇના સુનામીના મોજા દરિયામાં ઉછળી શકે છે. જોકે ફિલિપીન્સના નાગરિક સંરક્ષણના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભૂકંપને કારણે કોઇ જાન માલને નુકસાન થયું નથી. જોકે ભૂકંપના કારણે ભાગદોડ મચી ગઈ છે, અને લોકો તેમના ઘરની બહાર ભાગી રહ્યાં છે.
નોંધનીય છે કે, વર્ષ 2013માં આવેલા 7.5 તીવ્રતાના ભૂકંપને કારણે લગભગ 220 લોકોના મોત થયાં હતાં અને ફિલિપીન્સનો ઐતિહાસિક ચર્ચ પણ ધ્વસ્ત થઇ ગયું હતું. આ સિવાય ગત સપ્તાહે ઇન્ડોનેશિયામાં આવેલા સુનામીમાં 400થી વધુ લોકો મોતને ભેટ્યા હતા. અને અનેક ઇમારતો ધ્વસ્ત થઇ ગઇ હતી.