યૂકેમાં છે નીરવ મોદી, બ્રિટિશ અધિકારીઓએ ભારતને આપી જાણકારી

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંક ગોટાળાનો આરોપી નીરવ મોદી અત્યારે યૂ.કેમાં છે. બ્રિટનના અધિકારી દ્વારા આ જાણકારી ભારતને આપવામાં આવી છે. રાજ્યસભામાં એક સવાલનો જવાબ આપતા વિદેશ રાજ્ય પ્રધાન વી.કે સિંહે આ વાત કહી છે.

સદનમાં જવાબ આપતા તેમણે જણાવ્યું કે નેશનલ સેન્ટ્રલ ઓફ મેનચેસ્ટરે ભારતીય એજન્સRઓને એ જાણકારી આપી છે કે નીરવ મોદી યૂકેમાં છે. તેમણે જણાવ્યું કે ઓગસ્ટમાં સીબીઆઈ અને ઈડી દ્વારા સરકારે નીરવ મોદીના પ્રત્યાર્પણની અપીલ કરી હતી. જેના પર બ્રિટન સરકાર વિચાર કરી રહી છે.

આપને જણાવી દઈએ કે મોદીને શોધવા માટે જૂન 2018માં વિદેશ મંત્રાલયે ઘણા યૂરોપીય દેશોને પત્ર લખીને મદદ માગી હતી. જો કે જૂનમાં જ એક અંગ્રેજી સમાચાર પત્રના રિપોર્ટમાં કહેવાયું છે કે નીરવ મોદી લંડનમાં પોતાના જ્વેલરી સ્ટોર પાસે આવેલા એક ફ્લેટમાં રહે છે.

ઉલ્લેખનીય છે કે નીરવ મોદી જાન્યુઆરી 2018માં પીએનબી ગોટાળાના ખુલાસા પહેલા જ વિદેશ ચાલ્યો ગયો હતો. આ ગોટાળાનો ખુલાસો ફેબ્રુઆરી 2018માં થયો હતો. ગોટાળાની શરુઆત 2011માં મુંબઈ સ્થિત બ્રેડી હાઉસની એક ખાસ શાખાથી થઈ હતી. 2011 થઈ લઈને 2018 વચ્ચે હજારો કરોડની રકમ વિદેશી ખાતાઓમાં મોકલવામાં આવી.