કોલંબોઃ શ્રીલંકાના નેગોંબોમાં સ્થાનિક સિંહલા જૂથ અને મુસ્લિમો વચ્ચે રમખાણો શરૂ થયા છે. પોલીસે સોમવારે આ મામલે બે લોકોની ધરપકડ કરી છે. શ્રીલંકાના સૈન્ય પ્રવક્તા બ્રિગેડિયર સુમિત અટાપટ્ટુએ જણાવ્યું કે, સ્થિતિને નિયંત્રિત કરવા માટે પહેલાં કરફ્યૂ લગાવવામાં આવ્યો હતો.
જો કે, સવારે જ તેને હટાવી દેવામાં આવ્યો. અફવાઓને અટકાવવા માટે શહેરમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. શ્રીલંકાના કેથલિક સમાજે સીરિયલ બ્લાસ્ટના બે અઠવાડિયા બાદ રવિવારની પૂજા ઘરે જ કરી હતી. કારણ કે, મોટાંભાગની ચર્ચ હજુ પણ હુમલાઓની આશંકાના પગલે બંધ રાખવામાં આવી છે.
શ્રીલંકામાં 21 એપ્રિલના રોજ થયેલા સીરિયલ બ્લાસ્ટમાં આતંકીઓએ નેગોંબોની એક ચર્ચને નિશાન બનાવી હતી. જો કે, બ્લાસ્ટ બાદ બંને સમુદાય વચ્ચે રમખાણનો આ પ્રથમ કેસ છે. રિપોર્ટ અનુસાર, અધિકારીઓ શહેરમાં રવિવારે સ્કૂલોને ફરીથી ખોલવાની તૈયારી કરી રહ્યા હતા. આ દરમિયાન સિંહલા અને મુસ્લિમો વચ્ચે રમખાણો શરૂ થયા. ઉપદ્રવીઓએ મોટરસાઇકલ અને ટેક્સીઓમાં તોડફોડ કરી. હાલ સરકારે આ વિસ્તારમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સ કમાન્ડો તહેનાત કર્યા છે, પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.
શ્રીલંકા સરકારે સીરિયલ બ્લાસ્ટ બાદ દેશમાં ઇમરજન્સી લગાવી દીધી હતી. અંદાજિત 10 હજાર સૈનિક આતંકી ઠેકાણા પર દરોડા પાડી રહી છે. અત્યાર સુધી 100થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં પાકિસ્તાની નાગરિકોનું એક જૂથ પણ સામેલ છે. સુરક્ષાબળો અને પોલીસને સંદિગ્ધઓ પર કાર્યવાહી કરવા અથવા ધરપકડ કરવાની સંપુર્ણ તાકાત આપી દીધી છે.