કોલંબો- શ્રીલંકામાં વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી મહત્વના બંદરગાહ શહેર હમ્બનટોટાના એરપોર્ટને ચલાવવાનો અધિકાર ભારતને આપવામાં આવ્યો છે. આ એરપોર્ટ ખોટમાં ચાલી રહ્યું છે. પરંતુ હમ્બનટોટા બંદરગાહ જમીનનો પટ્ટો ચીનના કબજામાં છે, તેથી વ્યૂહાત્મક રીતે તે ખૂબ મહત્વનું છે.શ્રીલંકાના નાગરિક ઉડ્ડયન પ્રધાન નિમલ શ્રીપાલ ડી સિલ્વાએ સંસદમાં જણાવ્યું કે, ખોટમાં ચાલી રહેલા મત્તાલા રાજપક્ષે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ભારત બન્ને દેશો વચ્ચેના એક સંયુક્ત ઉપક્રમ તરીકે સંચાલન કરશે. આ સંયુક્ત સાહસમાં ભારત શ્રીલંકાનો એક મોટો ભાગીદાર દેશ બનશે.
આ એરપોર્ટ શ્રીલંકાની રાજધાની કોલંબોથી 241 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં આવેલું છે. આ એરપોર્ટનો નિર્માણ ખર્ચ 21 કરોડ ડોલર થયો હતો. પરંતુ અહીં વિમાનોનું વધારે આવાગમન નહીં હોવાને કારણે આ અરપોર્ટ નુકસાનમાં ચાલી રહ્યું છે. આ અરપોર્ટની ગણતરી વિશ્વના સૌથી ખાલી એરપોર્ટ તરીકે કરવામાં આવે છે.
શ્રીલંકાના નાગરિક ઉડ્ડયન પ્રધાન નિમલ શ્રીપાલ ડી સિલ્વાએ સંસદમાં જણાવ્યું કે, ખોટમાં ચાલી રહેલા આ એરપોર્ટને નુકસાનમાંથી બહાર લાવવું પડશે. આ એરપોર્ટને કારણે અત્યાર સુધીમાં 20 અબજ ડોલરનું ભારે નુકસાન થયું છે. વધુમાં શ્રીપાલ ડી સિલ્વાએ જણાવ્યું કે, ભારત સાથે એરપોર્ટના સંચાલનને લઈને કરારની અંતિમ શરતો હજી નક્કી કરવામાં આવી નથી.