નવી દિલ્હી- સાઉદી અરબે હોસ્પિટાલિટી સેક્ટરમાં વિદેશી નાગરીકોને નોકરી આપવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. સાઉદી સરકારે આ વર્ષના અંત સુધીમાં આ નિર્ણયને લાગુ કરવાની વાત કરી છે. સાઉદી અરબમાં ભારતના લાખો લોકો નોકરી કરે છે, અને માનવામાં આવી રહ્યું છે કે, સરકારના આ નિર્ણયથી મોટી સંખ્યામાં ભારતીયો પ્રભાવિત થશે.
બ્લૂમબર્ગની એક રિપોર્ટ અનુસાર સાઉદી શ્રમ મંત્રાલયે ગત સપ્તાહે જ તેમના એક નિવેદનમાં આ વાત કહી હતી. જે અનુસાર આ નિર્ણય રિસોર્ટ્સ, 3 સ્ટાર, અને 5 સ્ટાર હોટલો અને હોટલ એપાર્ટમેન્ટ્સ પર પણ લાગુ થશે.
અહીં રિસેપ્શનથી લઈને મેનેજમેન્ટ સુધીની નોકરીઓમાં સાઉદી અરબના નાગરિકોને જ પ્રાથમિકતા આપવામાં આવશે. જોકે, ડ્રાઈવરો, સિક્યોરિટી ગાર્ડ્સ અને કુલી તરીકે વિદેશી લોકોને નોકરીઓની તક મળતી રહેશે.
આ ઉપરાંત રેસ્ટોરન્ટ હોસ્ટ અને હેલ્થ ક્લબ સુપરવાઈઝર જેવી નોકરીઓ પણ સાઉદી મૂળના લોકો માટે આરક્ષિત કરી દેવામાં આવશે. ક્રૂડ ઓઈલની સપ્લાઈથી સતત ઘટી રહેલી આવકને પગલે આ પગલું ભરવામાં આવ્યું છે. સાઉદી અરબના લોકો નોકરીઓ આપવા માટે ટૂરિઝમ ઈન્ડસ્ટ્રીને એક વિકલ્પ તરીકે જોઈ રહ્યાં છે. ગત વર્ષે સાઉદીમાં બેરોજગારીનું સ્તર 13 ટકા પર પહોંચી ગયું હતું, જે અત્યાર સુધીનું સૌથી ઉંચુ સ્તર હતું.
સાઉદી અરબના આ પગલાથી નોકરીઓનું સાઉદીકરણનો પ્રયાસ કહેવામાં આવી રહ્યો છે. જોકે, સાઉદીનું હોસ્પિટાલિટી સેક્ટર પણ ખાનગી ઈન્ડસ્ટ્રીનો ભાગ છે. આ સ્થિતિમાં વિદેશી નાગરિક આહીં મોટી સંખ્યામાં મોટા પદો પર કામ કરી રહ્યાં છે. આ લોકોમાં મોટી સંખ્યા ભારતીયોની પણ છે. હવે સાઉદી સરકારના નવા નિયમથી આ ભારતીયોને અસર થશે તે નક્કી છે.